તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Sunday, 19th July 2026
દરિયાની મધ્યમાં સશસ્ત્ર ચાંચિયાઓનો આતંક: યમન નજીકથી તેલ ટેન્કર 'MT આસાના'નું હાઇજેકિંગ : સોમાલિયાના પંટલેન્ડમાં બંધક બનાવાયું
આંતરરાષ્ટ્રીય નૌકાદળની નબળી પડતી પકડ વચ્ચે એડનના અખાતમાં સોમાલી ચાંચિયાઓ ફરી સક્રિય થતાં દરિયાઈ સુરક્ષા સામે મોટો પડકાર : ક્રૂ સભ્યોની જિંદગી જોખમમાં

સોમાલિયા: દરિયાની અધવચ્ચે સશસ્ત્ર આતંક અને રોમાંચ પેદા કરે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યમનના મુકલ્લા બંદરથી રવાના થયેલા તાન્ઝાનિયાના ધ્વજવાળા તેલ ટેન્કર 'MT આસાના' પર સાત ખૂંખાર અને હથિયારધારી સોમાલી ચાંચિયાઓએ ફિલ્મી ઢબે હુમલો કરીને આખેઆખા જહાજનું અપહરણ કરી લીધું છે. શુક્રવારે એડનના અખાતમાં જ્યારે આ ટેન્કર અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું, ત્યારે જ તક ઝડપીને ચાંચિયાઓ જહાજ પર સવાર થઈ ગયા હતા અને કેપ્ટન સહિતના ક્રૂને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા. જહાજમાંથી મોકલવામાં આવેલી કટોકટીની 'ડિસ્ટ્રેસ એલર્ટ' સિગ્નલ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચે તે પહેલા જ ચાંચિયાઓએ જહાજની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી.
સુરક્ષા સૂત્રો અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઇજેકિંગ બાદ આ તેલ ટેન્કરને સોમાલિયાના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ પંટલેન્ડના બારી વિસ્તારમાં આવેલા કાલુલા દરિયાકાંઠે લઈ જવામાં આવ્યું છે. હાલમાં આ વિશાળ ટેન્કર ચાંચિયાઓની કસ્ટડીમાં દરિયા કિનારે લાંગરેલું છે. પબ્લિક ટ્રેકિંગ ડેટા અનુસાર, આ જહાજ સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહ્યું હતું પરંતુ અધવચ્ચે જ તેનો રસ્તો બદલી નાખવામાં આવ્યો હતો. આ હુમલામાં ટેન્કરમાં સવાર કેટલા ક્રૂ સભ્યો બંધક બન્યા છે, તેમની રાષ્ટ્રીયતા કઈ છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ ઘટનાએ વૈશ્વિક દરિયાઈ વેપાર માર્ગો પર ફરી એકવાર મોટો ખતરો ઉભો કર્યો છે. દરિયાઈ સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય નૌકાદળના પેટ્રોલિંગમાં થયેલા ઘટાડાનો ફાયદો ઉઠાવીને સોમાલી ચાંચિયાઓ પશ્ચિમ હિંદ મહાસાગરમાં ફરી બેફામ બન્યા છે. હાલમાં પન્ટલેન્ડ વહીવટીતંત્ર કે જહાજના માલિક તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ક્રૂ સભ્યોને છોડાવવા માટે પડદા પાછળ સક્રિય થઈ હોવાના અહેવાલો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
