<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

લદ્દાખના લેહમાં પર્વતો વચ્ચે સેનાના હેલિકોપ્ટરનો કાળોકેર: ક્રેશ થયેલા ચિત્તા હેલિકોપ્ટરમાંથી જનરલ સચિત મોતમના મુખમાંથી ચમત્કારિક રીતે બચ્યા, ભયાનક અકસ્માત બાદ લીધેલી 'સેલ્ફી' સોશિયલ મીડિયા પર વાયરલ!

૩જી ઇન્ફન્ટ્રી ડિવિઝનના મેજર જનરલ સહિત ત્રણ ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ઘાયલ; ૧૯૭૦ના દાયકાના જૂના થઈ ગયેલા સિંગલ-એન્જિન 'ચિત્તા' હેલિકોપ્ટર કાફલાની સુરક્ષા પર ફરી ઉઠ્યા ગંભીર સવાલો

લેહ: લદ્દાખના અત્યંત દુર્ગમ અને પર્વતીય વિસ્તાર ગણાતા ટાંગસ્ટે પ્રદેશમાં ભારતીય સેનાનું એક 'ચિત્તા' (Cheetah) હેલિકોપ્ટર ભયાનક દુર્ઘટનાનો ભોગ બન્યું છે. ૨૦ મેના રોજ બનેલી આ ઘટનામાં ભારતીય લશ્કરના ત્રણ ઉચ્ચ અધિકારીઓનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો હોવાની સત્તાવાર પુષ્ટિ સેનાના અધિકારીઓએ શનિવારે સવારે કરી છે. કઠોર પર્વતીય ભૂપ્રદેશ અને પહાડો વચ્ચે હેલિકોપ્ટરના ફુરચેફુરચા ઊડી ગયા હોવા છતાં, ત્રણેય જાંબાઝ અધિકારીઓ મોતને મ્હાત આપીને જીવતા પાછા ફર્યા હોવાને સૈન્ય નિષ્ણાતો એક 'મોટો ચમત્કાર' ગણાવી રહ્યા છે.

આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક અત્યંત ચોંકાવનારો ફોટોગ્રાફ વાયરલ થયો છે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત અને ભારે નુકસાન પામેલા હેલિકોપ્ટરના ભંગાર પાસે પથ્થરો પર બેસીને સેનાના વરિષ્ઠ અધિકારી મેજર જનરલ સચિન મહેતા પોતે ઘાયલ હોવા છતાં, અન્ય બે ઈજાગ્રસ્ત સાથી અધિકારીઓ સાથે સેલ્ફી (Selfie) લેતા જોવા મળી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય સેનાના અદમ્ય સાહસ અને હિંમતને દર્શાવતી આ તસવીર ઇન્ટરનેટ પર જોતજોતામાં ટ્રેન્ડ થવા લાગી છે.

ફ્લાઇટમાં કોણ કોણ સવાર હતું?

લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સિંગલ-એન્જિન હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ૩જી ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ સચિન મહેતા એક મુસાફર તરીકે સવાર હતા. જ્યારે હેલિકોપ્ટરનું સંચાલન (પાઇલોટિંગ) સેનાના એક અનુભવી લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર રેન્કના અધિકારી કરી રહ્યા હતા. અકસ્માતમાં ત્રણેય અધિકારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

૧૯૭૦ ના દાયકાના ચિત્તા કાફલા પર ફરી ઉઠ્યા સવાલો

આ ચમત્કારિક બચાવે દેશને ખુશી જરૂર આપી છે, પરંતુ સાથે જ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અને દાયકાઓ જૂના થઈ ગયેલા 'ચિત્તા હેલિકોપ્ટર' કાફલાની આયુષ્ય અને સુરક્ષા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. આ હેલિકોપ્ટરો ૧૯૭૦ ના દાયકામાં ભારતીય સંરક્ષણ દળોની સેવામાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૮૪ માં ઐતિહાસિક 'ઓપરેશન મેઘદૂત' દરમિયાન સિયાચીન ગ્લેશિયરના વ્યૂહાત્મક સ્થાનોને સુરક્ષિત કરવામાં આ કાફલાએ અભૂતપૂર્વ અને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જોકે, પાછલા કેટલાક વર્ષોમાં આ સિંગલ-એન્જિન ચિત્તા હેલિકોપ્ટરો વારંવાર અકસ્માતનો ભોગ બન્યા છે, જેના કારણે લશ્કરી ઉડ્ડયન ક્ષેત્રે તેની ઓપરેશનલ વિશ્વસનીયતા પર ચિંતાઓ વધી ગઈ છે. સેનાએ હાલમાં આ ગંભીર ક્રેશ પાછળનું સાચું ટેકનિકલ કારણ શોધવા માટે ઉચ્ચ સ્તરીય 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી' (સત્તાવાર તપાસ) ના આદેશ આપી દીધા છે. સંરક્ષણ મંત્રાલય આગામી સમયમાં આ જૂના હેલિકોપ્ટરોને બદલીને સ્વદેશી લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ઝડપથી તૈનાત કરે તેવી માંગ પણ હવે સંરક્ષણ વર્તુળોમાં જોર પકડી રહી છે.

(9:21 PM IST)