<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬: પીએમ મોદી એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા, ચીન સાથેનો ભારતનો પાવર ગેપ આઠ વર્ષમાં સૌથી ઓછો

સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજી સૌથી મોટી શક્તિ તરીકે ઊભર્યું : વડા પ્રધાન મોદી પ્રાદેશિક નેતૃત્વમાં શી જિનપિંગ પછી બીજા ક્રમે પહોંચ્યા : જ્યારે બ્રહ્મોસ મિસાઇલના વેચાણથી સંરક્ષણ નેટવર્કમાં પણ ભારતનો દબદબો વધ્યો

નવી દિલ્હી:  ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'લોવી ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા રવિવારે જાહેર કરાયેલા 'એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬' રિપોર્ટમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક તાકાત અને નેતૃત્વનો ડંકો વાગ્યો છે. આ રિપોર્ટ મુજબ, મુશ્કેલ આર્થિક અને વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતનો એકંદર પાવર સ્કોર ૦.૫ પોઈન્ટ વધીને ૪૦.૫ થયો છે, જેની સાથે ભારત અમેરિકા અને ચીન પછી એશિયાની ત્રીજી સૌથી શક્તિશાળી મહાસત્તા તરીકે યથાવત રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે ચીનની એકંદર શક્તિ ભારત કરતાં હજુ પણ ૮૦ ટકા વધુ હોવા છતાં, ૨૦૧૮માં આ ઇન્ડેક્સ શરૂ થયા બાદ આઠ વર્ષમાં પહેલીવાર ભારત અને ચીન વચ્ચેનો પાવર ગેપ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.

રિપોર્ટનું સૌથી નોંધપાત્ર તારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વ અંગેનું છે, જેમાં ભારત ત્રણ સ્થાનની છલાંગ લગાવીને આગળ વધ્યું છે અને પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા બન્યા છે. લોવી ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષક જેક સાટોએ આ સફળતાનો શ્રેય વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરની ભૂમિકામાં રહેલી સ્થિરતા તથા સાતત્યને આપ્યો છે. જોકે, મધ્ય પૂર્વના સંઘર્ષમાં મર્યાદિત રાજદ્વારી ભાગીદારી અને ભારતમાં લશ્કરી કવાયતથી પરત ફરતી અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજ ડૂબાડવાની ઘટના પર શાંત પ્રતિભાવને કારણે વૈશ્વિક નેતૃત્વની ધારણામાં થોડો ઘટાડો પણ નોંધાયો છે.

આર્થિક મોરચે રૂપિયાની નબળાઈ, IMF ની માપદંડ પદ્ધતિમાં ફેરફાર અને વિદેશી રોકાણમાં અંદાજે ૨૦ અબજ ડોલરના ઘટાડાને કારણે ભારતનો આર્થિક સંભવિત સ્કોર ઘટીને ૨૬.૪ પોઈન્ટ થયો હોવા છતાં ભારત આ શ્રેણીમાં ત્રીજા સ્થાને ટકી રહ્યું છે, જ્યારે ભાવિ સંસાધનોનો સ્કોર વધીને ૫૬.૨ પોઈન્ટ પર પહોંચ્યો છે. બીજી તરફ, દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે વધતા સંરક્ષણ સહયોગ અને બ્રહ્મોસ મિસાઇલોના વેચાણને કારણે ભારતનો સંરક્ષણ નેટવર્ક સ્કોર ૧૮.૬ પોઈન્ટ સાથે બે સ્થાન સુધરીને નવમા ક્રમે પહોંચ્યો છે, જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ વાટાઘાટોમાં ભૂમિકા ભજવનાર પાકિસ્તાન ૧૬મા સ્થાને રહ્યું છે, પરંતુ નિષ્ણાતોના મતે તે ભવિષ્યમાં આ સ્કોર જાળવી શકશે નહીં.

(7:45 PM IST)