News of Sunday, 18th October 2026
કુરુક્ષેત્રની ગીતા સંદેશ સ્થળી ખાતે પૂ. મોરારિબાપુનાં વ્યાસાસને પહોંચી 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા : "ભારત એક અદભૂત સ્વસ્તિક છે જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે" - પૂ. બાપુ
મથુરાથી પ્રયાણ કરી કુરુક્ષેત્ર પહોંચેલી વિશેષ રામકથા ગાડી : બાપુએ ભજનથી દૂર થવાના લક્ષણો સમજાવી પંજાબના વાઘા અટારી સરહદ તરફ કર્યું પ્રસ્થાન

ઈશ્વરિયા: ગીતાના સંદેશથી પાવન થયેલી કુરુક્ષેત્રની ધરતી પર પૂજ્ય કથાકાર પૂ. મોરારિબાપુના વ્યાસાસને 'ભારત સ્વસ્તિક યાત્રા' અંતર્ગત વિશેષ રામકથા પહોંચી હતી. આ પવિત્ર અવસરે પૂ. બાપુએ દિવ્ય ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત એક અદભૂત સ્વસ્તિક સમાન છે, જે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની તાકાત ધરાવે છે. ભારત જ્યારે ભજનથી ચૂકે છે, ત્યારે તે પોતાના સ્વસ્તિકથી પણ ચૂકે છે.
તીર્થ દર્શન અને કથામૃતનો ત્રિવેણી સંગમ:
ભારતવર્ષની આ અનોખી રામકથા યાત્રાનો લાભ સેંકડો ભાવિક યાત્રિકો સાથે મળીને અને અનેક શ્રોતાઓ વિવિધ તીર્થસ્થળો પરથી મેળવી રહ્યા છે. ગત શનિવારે ભગવાન કૃષ્ણના જન્મસ્થાન મથુરાથી પ્રયાણ કરીને આ રામકથાની વિશેષ રેલગાડીઓ ગીતા સંદેશ સ્થળી કુરુક્ષેત્ર ખાતે પહોંચી હતી. અહીં યાત્રિકોએ કૃષ્ણ-અર્જુન ગીતા સંદેશ સ્થાન તેમજ ભીષ્મ પિતામહના બાણશૈયા સ્થાન જેવા પવિત્ર તીર્થોના દર્શન કરી કથામૃતનો અદ્ભુત લાભ લીધો હતો.
સ્વસ્તિકથી દૂર લઈ જતા અવગુણોની સ્પષ્ટતા:
કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ ભજનના કેન્દ્ર સ્વસ્તિકથી દૂર થવાના મુખ્ય લક્ષણો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભજન વિમુખીઓનો સંગ, બિનજરૂરી બોલવું, અકારણ ભીડનો હિસ્સો બનવું, અતિશય નિદ્રા લેવી, બીજાની નિંદા સાંભળવી, અતિ ભોજન, અતિશય ક્રોધ, અત્યંત વિલાસી સ્વભાવ અને અતિ સ્પૃહા (ઇચ્છાઓ) જેવા અવગુણો માનવીને જીવનના સાચા સ્વસ્તિકથી દૂર લઈ જાય છે.
સલાહો આપનારાઓ પ્રત્યે સદભાવ વ્યક્ત કરવાની સાથે પૂ. બાપુએ હળવાશભર્યા વ્યંગમાં ગુજરાતના પ્રખ્યાત ભજનિક શ્રી નારાયણસ્વામી દ્વારા ગવાયેલું સુપ્રસિદ્ધ ગાન 'શું પૂછો છો મુજને, કે હું શું કરું છું ?...' રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
વાઘા અટારી સરહદ તરફ પ્રસ્થાન:
રામકથાના નવમા દિવસે શક્તિ વંદનાનું ગાન કરવામાં આવ્યું હતું. હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે કથાના સફળ આયોજન બાદ, દસમા દિવસની યાત્રા માટે આ વિશેષ ગાડીઓ પંજાબની વાઘા અટારી સરહદ તરફ પ્રસ્થાન થઈ ચૂકી છે. આ વિશિષ્ટ યાત્રા ઉપક્રમ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
