<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ચીનની કોલસાની ખાણમાં મોતનું તાંડવઃ ૯૦ શ્રમિકના મોત

જિનપિંગે આપ્‍યા કડક તપાસના આદેશઃ કંપનીના અધિકારીઓ હિરાસતમાં, યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ

બિજીંગ, તા.૨૩: શુક્રવારની એ કાળી રાત્રિએ શાંક્‍સી પ્રાંતની કિન્‍યુઆન કાઉન્‍ટીમાં આવેલી કોલસાની ખાણ ત્‍યારે સ્‍મશાનમાં ફેરવાઈ ગઈ જ્‍યારે અચાનક કાર્બન મોનોક્‍સાઇડ ગેસના લિકેજ બાદ જોરદાર વિસ્‍ફોટ થયો. વિસ્‍ફોટ એટલો શક્‍તિશાળી હતો કે જમીન પર ધ્રુજારી અનુભવાઈ હતી. ઘટના સમયે ૨૪૭ કામદારો ઊંડી ખાઈમાં કાળી મજૂરી કરી રહ્યા હતા. અત્‍યાર સુધીમાં ૯૦ કામદારોના મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યા છે, જ્‍યારે ૯ શ્રમિકો હજુ પણ સેંકડો ફૂટ નીચે કાટમાળમાં દટાયેલા છે. બચાવકર્મીઓ રાત-દિવસ એક કરીને ગુમ થયેલા લોકોની શોધ કરી રહ્યા છે, પરંતુ સમય પસાર થવાની સાથે તેમની બચવાની આશા ધૂંધળી થઈ રહી છે.

આ દુર્ઘટનાએ ચીનના ખાણ સલામતીના પોકળ દાવાઓની પોલ ખોલી દીધી છે. રાષ્‍ટ્રપતિ શી જિનપિંગે આ મામલે અત્‍યંત આક્રમક વલણ અપનાવતા તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા છે અને સ્‍પષ્ટ કર્યું છે કે બેદરકારી દાખવનાર કોઈપણ અધિકારી કે માલિકને છોડવામાં આવશે નહીં. તેમણે પૂર અને અન્‍ય કુદરતી આપત્તિઓ સામે પણ સાવધ રહેવા તંત્રને તાકીદ કરી છે. વડાપ્રધાન લી કેકિયાંગે આને દાયકાની સૌથી મોટી માનવીય ભૂલ ગણાવીને પીડિતોને ન્‍યાય અપાવવાની ખાતરી આપી છે. ખાણની અંદર ગેસની ચેતવણી મળવા છતાં કામ કેમ ચાલુ રાખવામાં આવ્‍યું, તે અત્‍યારે તપાસનો મુખ્‍ય વિષય બન્‍યો છે.

શાંક્‍સી પ્રાંતમાં ખાણ અકસ્‍માતોનો ઈતિહાસ ઘણો લોહિયાળ રહ્યો છે, પરંતુ આ વખતનો આંકડો ચોંકાવનારો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં મંગોલિયામાં થયેલા ૫૩ મોતના આંકડાને પણ આ દુર્ઘટનાએ વટાવી દીધો છે. હાલમાં ઘટનાસ્‍થળે ચીનના ઉચ્‍ચ મંત્રીઓ અને નિષ્‍ણાતોની ટીમ તૈનાત છે. સ્‍થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આર્થિક નફાની લાલચમાં મજૂરોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બચાવ કામગીરીમાં વરસાદ વિઘ્‍ન બની રહ્યો છે, છતાં અત્‍યાધુનિક ડ્રોન અને રોબોટિક્‍સની મદદથી બાકીના નવ લોકોને શોધવાના આખરી પ્રયાસો ચાલુ છે. 

(3:02 PM IST)