News of Monday, 13th July 2026
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટમાં ખળભળાટ: T20 વર્લ્ડ કપ વિજય બાદ સ્ટાર ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરના અંગત જીવનને લઈને ચોંકાવનારો વિવાદ!
લગ્ન તૂટ્યાના અહેવાલો વચ્ચે પત્ની મોનિકા રાઈટના ગંભીર આરોપો; સાથી ખેલાડી સાથેના કથિત અફેરને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ.

સિડની : ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ હાલમાં તેમના શાનદાર પ્રદર્શન અને તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડ કપની ખુશીઓ મનાવી રહી હતી, ત્યાં જ ટીમની દિગ્ગજ ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરના અંગત જીવનને લઈને સામે આવેલા એક ચોંકાવનારા વિવાદે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગાર્ડનરની અલગ થયેલી પત્ની મોનિકા રાઈટે સોશિયલ મીડિયા પર જાહેરમાં ગાર્ડનર પર અન્ય સાથી ખેલાડી જ્યોર્જિયા વોલ સાથે અફેર હોવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.
શું છે આ સમગ્ર વિવાદ?
ડેઈલી મેઈલ દ્વારા ગાર્ડનર અને મોનિકા રાઈટના સંબંધોના અંત વિશે અહેવાલ પ્રસિદ્ધ થયાના થોડા કલાકોમાં જ આ આરોપો સામે આવ્યા હતા. શરૂઆતમાં મીડિયા અહેવાલોમાં જે ખેલાડી સાથે અફેરની વાત હતી તેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું, પરંતુ મોનિકા રાઈટે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીધું જ જ્યોર્જિયા વોલનો ફોટો મૂકીને આ વિવાદને જાહેર કરી દીધો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ.
વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી તિરાડ?
અહેવાલો મુજબ, આ સંબંધોમાં ખટાશ વર્ષની શરૂઆતમાં ભારતમાં યોજાયેલા મહિલા ODI વર્લ્ડ કપ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી. મોનિકા રાઈટ તે સમયે ગાર્ડનરને સપોર્ટ કરવા ભારત ગઈ હતી, પરંતુ ટીમ સ્ત્રોતોનું માનીએ તો, તે દરમિયાન ગાર્ડનરનું વર્તન બદલાયેલું લાગતું હતું. સિડની પરત ફર્યા બાદ ગાર્ડનરે મોનિકાને સંબંધોમાં આવેલા બદલાવ વિશે વાત કરી હતી અને નવેમ્બરમાં તે તેમની વીંટીઓ ઘરે છોડીને અલગ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. એક સમયે આ દંપતી પરિવાર શરૂ કરવાનું વિચારી રહ્યું હતું, પરંતુ આજે આ સંબંધ એક કડવા વળાંક પર આવીને અટકી ગયો છે.
સુરક્ષા અને વિવાદોનું કેન્દ્ર:
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ODI વર્લ્ડ કપ દરમિયાન જ આ ઓસ્ટ્રેલિયન ટીમ અને ખાસ કરીને ગાર્ડનરનું નામ ચર્ચામાં હતું. ઈન્દોરમાં ટીમના ખેલાડીઓ સાથે થયેલી છેડતીની ઘટના બાદ તેમની સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવવામાં આવી હતી. તે સમયે ગાર્ડનર અને મોનિકાએ પોલીસ એસ્કોર્ટ સાથેના ફોટા પણ શેર કર્યા હતા. ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ સુરક્ષા અને ટુર્નામેન્ટના દિવસો જ તેમના સંબંધો માટે અંતિમ સાબિત થશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું મૌન
29 વર્ષીય એશ્લે ગાર્ડનર, જેઓ ઓસ્ટ્રેલિયાની ઉપ-કેપ્ટન અને ICC ની વર્ષની શ્રેષ્ઠ ODI ખેલાડી રહી ચૂકી છે, તેમણે આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ પણ "નો કોમેન્ટ્સ" કહીને આ મામલે અંતર જાળવી રાખ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાં આ વિષય મુખ્ય ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ઘણા સાથી ખેલાડીઓ મોનિકા રાઈટના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
આ વિવાદે હવે એક ગંભીર વળાંક લીધો છે, જ્યાં એક તરફ ટીમનું ભવિષ્ય અને ગૌરવ છે, તો બીજી તરફ ખેલાડીઓના અંગત જીવનની વાતો રમતની બહારના પાનાઓ પર છવાયેલી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
