News of Wednesday, 28th October 2026
આઝમ ખાનને EDનો બુલડોઝર જેવો મોટો આંચકો: જૌહર યુનિવર્સિટીની ₹૪૨૬ કરોડની સંપત્તિ જપ્ત : બજાર કિંમત ₹૧,૧૭૦ કરોડથી વધુ!
મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય એજન્સીની અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહી : સરકારી ભંડોળ અને ખેડૂતોની જમીન હડપ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા

લખનૌ : સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાનની રાજકીય અને કાનૂની મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની લખનૌ ઝોનલ ઓફિસે રામપુરમાં આવેલી મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની વિષાળ જમીન અને ભવ્ય ઇમારતોને કાનૂની રીતે જપ્ત કરવાની ધમાકેદાર કાર્યવાહી કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ હાથ ધરાયેલી આ દંડનાત્મક કાર્યવાહીમાં જપ્ત કરાયેલી મિલકતોનું સરકારી મૂલ્યાંકન ₹૪૨૬.૪૬ કરોડ આંકવામાં આવ્યું છે, જ્યારે રિયલ એસ્ટેટ બજારમાં તેનું વર્તમાન બજાર મૂલ્ય ₹૧,૧૭૦ કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. સરકારી નાણાં, જાહેર કોન્ટ્રાક્ટની રકમ અને બાંધકામ સામગ્રીના ગેરકાયદે ડાયવર્ઝન દ્વારા આખું શૈક્ષણિક સામ્રાજ્ય ઉભું કરવાનો આઝમ ખાન પર સંગીન આરોપ છે.
કેન્દ્રીય તપાસ એજન્સી EDની આ આકરી કાર્યવાહી પાછળ રામપુરના અઝીમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ૨૬ થી વધુ એફઆઈઆર (FIR) નો પાયો રહેલો છે. તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે કે આઝમ ખાને પોતાની સત્તા અને વહીવટી પ્રભાવનો ગેરઉપયોગ કરીને સ્થાનિક ગરીબ ખેડૂતોની ખેતીલાયક જમીનો બળજબરીથી હડપ કરી લીધી હતી. આ ઉપરાંત, સિંઘનખેડા ગામમાં ફેલાયેલી આશરે ૩૪ એકરની 'દુશ્મન સંપત્તિ' (Enemy Property) ના ૪૫ પ્લોટ પર પણ લીઝ રદ થઈ હોવા છતાં ગેરકાયદે કબજો જમાવીને યુનિવર્સિટી કેમ્પસમાં ભેળવી દેવામાં આવ્યા હતા. આઝમ ખાન જૌહર ટ્રસ્ટના સ્થાપક અને યુનિવર્સિટીના ચાન્સલેર હોવાના નાતે સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે.
ED ની તપાસમાં અત્યંત ચોંકાવનારો વિસ્ફોટ એ થયો છે કે જાહેર બાંધકામ વિભાગ તરફથી મેળવેલા ₹૧૮૬ કરોડના સરકારી કોન્ટ્રાક્ટમાંથી ૪૦% સુધીનું ભંડોળ અને સિમેન્ટ-સળિયા જેવી બાંધકામ સામગ્રી સીધી યુનિવર્સિટીની ઇમારતો બનાવવામાં વાપરી નાખવામાં આવી હતી. એટલું જ નહીં, MLA/MLC ગ્રાન્ટના ₹૬.૬૦ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા પંડાલ તથા હોસ્પિટલ માટે મંજૂર કરાયેલા ₹૨૩.૪૧ કરોડ પણ પદનો દુરુપયોગ કરીને ખાનગી ટ્રસ્ટની મિલકતમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. જ્યાં સરકારી મૂલ્યાંકન અનુસાર યુનિવર્સિટીના ૫૯ મકાનોના નિર્માણનો કુલ ખર્ચ ₹૪૯૯ કરોડ થાય છે, ત્યાં ટ્રસ્ટે આવકવેરા રિટર્નમાં માત્ર ₹૭૮.૩૨ કરોડ દર્શાવીને કરોડો રૂપિયાના કાળા નાણાં છુપાવ્યા હોવાનું દિવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
