News of Sunday, 27th September 2026
બેલજિયમથી ઓડિશા થઈને ઉત્તર પ્રદેશ પહોંચેલું 200 ટન વજન ધરાવતું ‘બાહુબલી ટ્રેલર’ કૌતુકનું કેન્દ્ર બન્યું: 308 પૈડાં ધરાવતા મહાકાય વાહનને રસ્તો આપવા અનેક સ્થળે ફૂટ ઓવરબ્રિજ અને વીજ વાયર હટાવવા પડ્યા
સુગર મિલ અને ઇથેનોલ પ્લાન્ટ માટે ખાસ વિદેશથી મગાવાયેલા સુપર-હેવી વેસલને સુરક્ષિત પહોંચાડવા માટે દરરોજ માત્ર 10થી 12 કિલોમીટરની ઝડપે મુસાફરી: વિરાટ ટ્રકને જોવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૈલાણીઓ અને ગ્રામજનોના ટોળેટોળાં ઉમટ્યા

ચંદોલી (ઉત્તર પ્રદેશ): યૂરોપિયન દેશ બેલજિયમથી ભારતમાં આયાત કરાયેલું અંદાજે 200 ટન વજન ધરાવતું વિરાટ શુગર મિલ પ્રોસેસિંગ વેસલ (વેક્યૂમ બોઈલર) લઈને નીકળેલું 308 પૈડાંનું અતિ-અદભુત ‘બાહુબલી’ મલ્ટી-એક્સલ ટ્રેલર ઉત્તર પ્રદેશની સીમામાં પ્રવેશતાં જ લોકોમાં ભારે આશ્ચર્ય અને કૌતુકનો વિષય બન્યું છે. બલરામપુર સ્થિત ખાંડ મિલ અને ઇથેનોલ પ્લાન્ટ માટે ખાસ મગાવવામાં આવેલું આ 100 ફીટ લાંબુ અને 7 મીટર પહોળું વિશાળકાય મશીન સામાન્ય રસ્તા પરથી પસાર કરવું વહીવટીતંત્ર માટે ભારે પડકારરૂપ બની રહ્યું છે.
આ મહાકાય કન્સાઇનમેન્ટ બેલજિયમથી દરિયાઈ માર્ગે ઓડિશાના પારામાદીપ બંદર પર ઉતારવામાં આવ્યું હતું. ત્યારબાદ ઝારખંડ અને બિહારના અનેક જિલ્લાઓમાંથી અત્યંત ધીમી ગતિએ પસાર થઈને તે હાલ ઉત્તર પ્રદેશના ચંદોલીથી વારાણસી તરફ આગળ વધી રહ્યું છે. 200 ટનથી વધુના વજનને જમીન પર સંતુલિત રાખવા માટે આ ખાસ ડિઝાઈન કરાયેલા ટ્રેલરમાં 308 ચક્કા લગાવાયા છે. ભારે વજન અને મહાકાય કદને કારણે આ ટ્રેલર દિવસમાં માંડ 10થી 12 કિલોમીટરનું અંતર કાપી શકે છે. વાહનને આગળ ખેંચવા અને સપોર્ટ આપવા માટે બે અલગ-અલગ ક્રેન, બે સપોર્ટિંગ ટ્રેલર અને 64થી વધુ ટેકનિકલ કર્મચારીઓની વિશેષ ટીમ સતત સાથે ચાલી રહી છે.
આ વિશાળકાય ટ્રકના માર્ગમાં આવતા અનેક ભૌતિક અવરોધોને કારણે પ્રશાસનને ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. વારાણસી અને આસપાસના વિસ્તારોમાં ટ્રેલરની ઊંચાઈ નડતરરૂપ બનતાં રસ્તા પરના ફૂટ ઓવરબ્રિજના ભાગો, સાઇનેજ બોર્ડ, વીજળીના વાયરો તેમજ ટોલ પ્લાઝાના બાંધકામને હટાવવાની કામગીરી કરવી પડી છે. બિહારના અનેક વિસ્તારોમાં તેને સલામત રીતે પસાર કરવા રેલવેની હાઇટેન્શન વીજ લાઇન બંધ રાખવી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ‘અજૂબા ટ્રક’ને પોતાની નજરે નિહાળવા માટે ધોરીમાર્ગની બંને બાજુ લોકોના ટોળે-ટોળાં ઉમટી રહ્યા છે, જ્યારે ટ્રાફિક અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ મહાકાય વાહનને તેની મંજિલ તરફ સુરક્ષિત રીતે આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
