News of Friday, 18th September 2026
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પરથી કારમાંથી મળી આવી સોનાના સિક્કા ભરેલી બેગ: પૃથ્થકરણ બાદ પોલીસે આપ્યો ચોંકાવનારો ખુલાસો!
દક્ષિણ કાશ્મીરના કુલગામ પાસે મધ્યપ્રદેશ પાર્સિંગની કારમાંથી પકડાયેલા ૫૦૦થી વધુ સિક્કાનો ભેદ ઘેરાયો: સોનાના દાવા વચ્ચે પોલીસે ઠગાઈ રેકેટની શંકા વ્યક્ત કરી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર કુલગામ જિલ્લા નજીક સુરક્ષા દળોએ તપાસ દરમિયાન એક કારમાંથી મોટી સંખ્યામાં કિંમતી સિક્કાઓથી ભરેલી શંકાસ્પદ બેગ કબજે કરી છે. દક્ષિણ કાશ્મીરના મીરબજાર વિસ્તારમાં મધ્યપ્રદેશ રજિસ્ટ્રેશન ધરાવતા વાહનની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી ત્યારે આ જપ્તી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે.
શરૂઆતમાં આ કારમાંથી ૫૦૦ થી ૬૦૦ જેટલા અસલી સોનાના સિક્કા મળી આવ્યા હોવાના વાયરલ અહેવાલોથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કાઝીગુંડથી શ્રીનગર જઈ રહેલા આ શંકાસ્પદ વાહનને તાત્કાલિક જપ્ત કરીને મીરબજાર પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યું હતું અને તબીબી તથા ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
સોનું નહીં પણ તાંબા-ચાંદીના સિક્કા હોવાનો પોલીસનો દાવો
જોકે, બાદમાં સિક્કાઓની પ્રાથમિક તપાસ અને પૃથ્થકરણ કર્યા બાદ પોલીસે સોનાના સિક્કા હોવાના દાવાને ફગાવી દીધો હતો. કુલગામના એસએસપી (SSP) એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલા સિક્કા સોનાના નથી પરંતુ ચાંદી અને તાંબાની ધાતુના બનેલા છે.
પોલીસને શંકા છે કે આ અટકાયત કરાયેલા ત્રણેય આરોપીઓ કોઈ મોટા આંતરરાજ્ય ઠગાઈ રેકેટનો ભાગ હોઈ શકે છે. આ જૂથ સામાન્ય લોકોને તાંબા કે ચાંદીના સિક્કાઓને અસલી સોનાના સિક્કા તરીકે દર્શાવીને ઊંચા ભાવે વેચીને ફ્રોડ આચરતું હોવાની શક્યતા છે. આ કાવતરા પાછળ કયાં તત્વો સામેલ છે અને આ સિક્કા ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
