News of Saturday, 7th November 2026
જામીનના નિર્ણયો જાહેર આક્રોશથી નક્કી નથી થતા!": 162 km/h ની ગતિએ 3 યુવાનોને કચડનાર મિની કૂપર અકસ્માત કેસમાં હાઈકોર્ટે આરોપીઓને આપ્યા જામીન
કોચીના ચર્ચિત હાઇ-સ્પીડ હિટ-એન્ડ-રન દુર્ઘટનામાં કેરળ હાઇકોર્ટનું મોટું અવલોકન : કાયદા અને ન્યાયિક પ્રક્રિયાને આધારે નિર્ણય લેવાની વાત કરી, જોકે મુખ્ય ડ્રાઇવર સુહેલ સજીવની મુક્તિ પર વધુ 10 દિવસનો મુકાયો સ્ટે

કોચી: કેરળના કોચીમાં 11 ઓક્ટોબરે બનેલી ખૌફનાક મિની કૂપર અકસ્માત ઘટનામાં, જેમાં ત્રણ નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા, કેરળ હાઈકોર્ટે ચારેય આરોપી વિદ્યાર્થીઓને જામીન આપીને એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ કૌસર એડાપ્પાગથની બેન્ચે અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ શબ્દોમાં અવલોકન કર્યું હતું કે, "અદાલતોમાં જામીન કે ન્યાયના નિર્ણયો જાહેર ભાવના કે લોકોના આક્રોશ પર આધારિત હોઈ શકે નહીં." કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ઘટના ગમે તેટલી ગંભીર કે દુર્ભાગ્યપૂર્ણ હોય, અદાલતે હંમેશા કાયદાના શાસન અને સ્થાપિત ન્યાયિક પ્રક્રિયાને આધારે જ નિર્ણય લેવો પડે છે.
તપાસ દરમિયાન BMW ની ટેકનિકલ ટીમના અહેવાલમાં સામે આવ્યું હતું કે અથડામણની માત્ર 5 સેકન્ડ પહેલાં કારની ગતિ 162 કિમી/કલાકની સુપર-સોનિક સ્પીડે હતી. દારૂના નશામાં ધૂત થઈને 19 વર્ષીય સુહેલ સજીવે સ્કૂટર પર જઈ રહેલા ત્રણ યુવાનો (બે મહિલા અને એક પુરુષ) ને જોરદાર ટક્કર મારીને સ્થળ પર જ પતાવી દીધા હતા. બનાવ બાદ સુહેલની કથિત અહંકારી ટિપ્પણી "રસ્તાઓ ગાડી ચલાવવા માટે જ હોય છે અને મારા પિતા બધું સંભાળી લેશે" ને કારણે લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કોર્ટે અન્ય ત્રણ સાથીઓ—નિનાવ, જોયલ એન્ટો અને અમીન શાહને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે મુખ્ય આરોપી સુહેલની જામીન મંજૂર કરવા છતાં તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવાના હેતુથી તેની જેલમુક્તિ પર 10 દિવસનો સ્ટે લાદ્યો છે.
આરોપીઓના વકીલોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તમામ આરોપીઓ 19 વર્ષના કોલેજ વિદ્યાર્થીઓ છે અને સતત ન્યાયિક કસ્ટડીમાં રહેવાથી તેમના ભવિષ્ય અને અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. બીજી તરફ, સરકારી પક્ષે તપાસ ચાલુ હોવાનો હવાલો આપીને જામીનનો આકરો વિરોધ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ એજન્સીઓ આગામી દિવસોમાં પોતાની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે, પરંતુ જનતાની લાગણીઓના આધારે આરોપીઓને અનંતકાળ સુધી જેલમાં રાખી શકાય નહીં. હાઈકોર્ટના આ અતિ ચર્ચિત આદેશથી સમગ્ર કેરળમાં અને સોશિયલ મીડિયા પર કાનૂની જોગવાઈઓ અને જાહેર લાગણીઓ વચ્ચેની બહસ ફરી એકવાર ગરમ થઈ ગઈ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
