<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

નેપાળમાં બાલેન શાહ સરકારનો '૧૦૦ રૂપિયા'નો ફતવો: ભારતથી સામાન લાવતા લોકોમાં ભારે રોષ!

બીરગંજ સરહદે ઉગ્ર વિરોધ પ્રદર્શનો: ઘરવખરી અને ખાદ્ય ચીજો પર કસ્ટમ ડ્યુટી લાદતા નેપાળી કોંગ્રેસ મેદાનમાં : ગરીબ ખેડૂતો અને મજૂરો માટે ભારતની સસ્તી ખરીદી હવે મોંઘી પડશે!

કાઠમંડુ:   નેપાળમાં સત્તા સંભાળતાની સાથે જ વડાપ્રધાન બાલેન શાહની સરકાર વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. સરકારે ભારતમાંથી આયાત થતા માત્ર ૧૦૦ નેપાળી રૂપિયા (NPR) થી વધુ કિંમતના માલ પર કડક રીતે કસ્ટમ ડ્યુટી લાગુ કરવાનો આદેશ આપ્યો છે. એપ્રિલ ૨૦૨૬ ના મધ્યથી અમલી બનેલા આ નિયમ મુજબ, હવે નેપાળી નાગરિકો ભારતમાંથી લવાતા કપડાં, ખોરાક કે ઘરગથ્થુ સામાન પર ટેક્સ ચૂકવ્યા વગર સરહદ ઓળંગી શકશે નહીં. આ નિર્ણયની સૌથી મોટી અસર સરહદી શહેર બીરગંજમાં જોવા મળી રહી છે, જ્યાં હજારો લોકોએ રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.

નેપાળી કોંગ્રેસે આ મામલે સરકારને ઘેરતા આક્ષેપ કર્યો છે કે, આ નિર્ણય સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. પાર્ટીના પ્રવક્તા દેવરાજ ચાલીસે જણાવ્યું કે, સરહદ નજીક રહેતા ગરીબ પરિવારો, ખેડૂતો અને મજૂરો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભારતમાંથી સસ્તો સામાન લાવતા હોય છે. માત્ર ૧૦૦ રૂપિયાની નજીવી મર્યાદા નક્કી કરવી એ વ્યવહારુ નથી અને તેનાથી મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતાની કમર તૂટી જશે. નેપાળી કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ 'અન્યાયી' ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે, તો તેઓ દેશવ્યાપી આંદોલન કરશે.

હાલમાં ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કસ્ટમ ઓફિસો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં ગુસ્સો એ વાતનો છે કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર પણ ટેક્સ લાદીને સરકાર રાષ્ટ્રીય એકતાને જોખમમાં મૂકી રહી છે. દક્ષિણ સરહદના લોકો માટે ભારત એક મોટી બજાર છે, પરંતુ નવા નિયમોને કારણે ભારત-નેપાળ વચ્ચેનો મુક્ત વ્યાપાર હવે અવરોધાયો છે. બાલેન શાહ સરકાર આ નિર્ણયને દેશની આવક વધારવાનું સાધન ગણાવી રહી છે, પરંતુ જનતાના વિરોધ સામે તેઓ કેટલો સમય ટકી શકશે તે જોવું રહ્યું.

(10:04 PM IST)