News of Monday, 9th November 2026
બાંગ્લાદેશનો મોટો નિર્ણય: શેખ હસીનાને નવો પાસપોર્ટ આપવાનો ઇનકાર : 'કેદી' તરીકે ભારત પાસેથી પ્રત્યાર્પણની માંગ
બાંગ્લાદેશી દૂતાવાસ મારફતે પાસપોર્ટ અને NID રિન્યૂ કરવાની શેખ હસીનાની અરજીને વચગાળાની સરકારે હાસ્યાસ્પદ ગણાવી ફગાવી દીધી : કેદી પ્રત્યાર્પણ સંધિ હેઠળ જ દેશમાં પાછા લાવવાનો વિદેશ મંત્રી હુમાયુ કબીરનો સ્પષ્ટ દાવો

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ઢાકાની વચગાળાની સરકાર વચ્ચેનો કાનૂની અને રાજકીય જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાએ ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાની યોજના સાથે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશી હાઈકમિશનમાં નવા પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) માટે ઔપચારિક અરજી કરી હતી. લંડનની મેટ્રિક્સ ચેમ્બર્સના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા સુપરત કરાયેલા આ પત્રમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો અને નાગરિકતાનો હવાલો આપી દસ્તાવેજો તાત્કાલિક જારી કરવા માંગ કરવામાં આવી હતી.
જોકે, બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે આ પાસપોર્ટ અરજીને સખત શબ્દોમાં હાસ્યાસ્પદ ગણાવીને ફગાવી દીધી છે. કબીરે સ્પષ્ટ કર્યું કે શેખ હસીના કોઈ સામાન્ય નાગરિક તરીકે મુસાફરી કરવા નથી માંગતા કે જેથી તેમને સામાન્ય પાસપોર્ટ કે ટ્રાવેલ પાસ જારી કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે હસીના સામે પહેલેથી જ ગંભીર ગુનાહિત કેસો અને સજાઓ છે, તેથી કોઈ દોષિત માટે આવી અરજીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વચગાળાની સરકારે તેમના ફી મેળવતા લોબિસ્ટોની નૈતિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
બાંગ્લાદેશ સરકારે હવે ભારત પર દબાણ વધારતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ શેખ હસીનાને સામાન્ય મુસાફર તરીકે નહીં, પરંતુ દ્વિપક્ષીય કેદી પ્રત્યાર્પણ સંધિ હેઠળ 'કેદી' અને 'ભાગેડુ' તરીકે જ પાછા લાવશે. કબીરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ બાંગ્લાદેશ પોતાના પ્રયાસો ચાલુ રાખશે. ઓગસ્ટ 2024ના બળવા પછી બંને દેશો વચ્ચેના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ છે, ત્યારે આ ઘટનાક્રમથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ ગંભીર મોડ પર પહોંચી ગયા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
