News of Saturday, 28th November 2026
સાયબર છેતરપિંડીના નામે બેંકોની મનમાની પર લગામ: ખાતું ફ્રીઝ કરવા અને ખોલવા માટે RBI એ જાહેર કરી નવી સમયમર્યાદા!
ખાતું ફ્રીઝ કર્યા બાદ બેંકે ગ્રાહકને કારણ અને પ્રક્રિયા જણાવવી પડશે, ગ્રાહકને જવાબ આપવા 7 દિવસ અને બેંકને તપાસ માટે 7 દિવસ મળશે : 31મા દિવસે અનફ્રીઝ થવાની શક્યતા અને 1 જુલાઈ, 2027 થી નિયમો લાગુ થશે

મુંબઈ: ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના વધતા કિસ્સાઓ વચ્ચે નિર્દોષ બેંક ગ્રાહકોને પડતી હાલાકી દૂર કરવા માટે ભારતીય રિઝર્વ બેંક એ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શંકાસ્પદ વ્યવહારોના નામે બેંકો દ્વારા ખાતા ફ્રીઝ કરી દેવામાં આવતા અને ગ્રાહકોને મહિનાઓ સુધી કારણ કે નિવારણની પ્રક્રિયાની સ્પષ્ટ માહિતી ન મળતી હોવાની ફરિયાદો બાદ RBI એ 27 નવેમ્બર, 2026 ના રોજ નવા નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો મુજબ, જો કોઈ ખાતામાં સાયબર છેતરપિંડી સંબંધિત શંકાસ્પદ વ્યવહાર જણાય, તો બેંક ઉપાડ કે ટ્રાન્સફર પર રોક લગાવી શકશે, પરંતુ બેંકે ગ્રાહકને ફ્રીઝ કરવાનું ચોક્કસ કારણ અને તે દૂર કરવાની પ્રક્રિયા સ્પષ્ટપણે જણાવવી પડશે.
RBI એ સમગ્ર પ્રક્રિયા માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે, જેનાથી ગ્રાહકોને ઝડપી રાહત મળી શકશે. નિયમ અનુસાર, ખાતા પર રોક લાગ્યા બાદ ગ્રાહકને પોતાનો ખુલાસો અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય મળશે, જ્યારે ગ્રાહકનો જવાબ મળ્યા બાદ બેંકે 7 દિવસમાં તેની તપાસ પૂર્ણ કરવી પડશે. જો ગ્રાહક જવાબ ન આપે અથવા બેંકને ખુલાસો સંતોષકારક ન લાગે, તો મામલો પોલીસને સોંપાશે, પરંતુ પોલીસને રેફરલ કર્યાના એક મહિનાની અંદર જો ફ્રીઝ ચાલુ રાખવાનો કાનૂની આદેશ ન મળે અને બેંક તપાસથી સંતુષ્ટ થાય, તો 31મા દિવસે ખાતા પરની રોક હટાવી શકાશે. આ ઉપરાંત, બેંકોએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવી પડશે અને ગ્રાહકની ફરિયાદનો 30 દિવસમાં નિકાલ કરવો ફરજિયાત રહેશે.
આ મહત્વપૂર્ણ નિયમો 1 જુલાઈ, 2027 થી અમલમાં આવશે, જોકે બેંકો ઈચ્છે તો આ વ્યવસ્થા વહેલી પણ લાગુ કરી શકે છે. સાયબર ફ્રોડ સામે સુરક્ષા જાળવવાની સાથે-સાથે સામાન્ય ગ્રાહકોના નાણાંકીય અધિકારો અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં RBI નું આ પગલું અત્યંત રાહતદાયક સાબિત થશે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
