<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ભારતીય રિઝર્વ બેંકની ₹7 લાખ કરોડની મેગા VRRR હરાજીમાં બેંકો ઠંડી પડી: બેંકિંગ સિસ્ટમમાં ₹10.73 લાખ કરોડની જંગી તરલતા હોવા છતાં સામે આવ્યો નબળો પ્રતિસાદ

FCNR(B) સ્કીમ દ્વારા $136 બિલિયનના વિદેશી ભંડોળના પ્રવાહથી સિસ્ટમમાં રોકડનો ભરાવો થયો હોવા છતાં, 30 દિવસની હરાજીમાં માત્ર ₹2.59 લાખ કરોડની જ બિડ્સ આવી

મુંબઈ, તા.૦૭: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રોકડ ખેંચી લેવા માટે લાવવામાં આવેલી ₹7 લાખ કરોડની 30-દિવસીય વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) હરાજીમાં બેંકો તરફથી અત્યંત નબળો અને શાંત પ્રતિસાદ જોવા મળ્યો છે. સિસ્ટમમાં જંગી તરલતા (Liquidity) હોવા છતાં, બેંકોએ નોિટીફાઇડ રકમ કરતાં ઘણી ઓછી રકમની બિડ્સ સબમિટ કરી છે, જેનાથી નાણાકીય બજારમાં આશ્ચર્ય સર્જાયું છે.

 

કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ₹7 લાખ કરોડની સૂચિત રકમ સામે RBI ને 30-દિવસના VRRR માટે માત્ર ₹2,59,276 કરોડની જ બિડ્સ મળી હતી. RBI એ આ બિડ્સને 5.24 ટકાના કટ-ઓફ અને વેઇટેડ સરેરાશ દરે સ્વીકારી છે. આ જંગી તફાવત દર્શાવે છે કે બેંકો હાલના તબક્કે લાંબા ગાળા માટે પોતાની રોકડ રકમ લોક કરવાને બદલે શોર્ટ-ટર્મ ફંડિંગ જાળવી રાખવા વધુ ઉત્સુક છે.

 

સિસ્ટમમાં વધારાની રોકડનું સતત શોષણ કરવાના ભાગરૂપે, RBI એ સોમવારે સવારે 11:00 થી 11:30 વાગ્યા દરમિયાન ₹5 લાખ કરોડની સૂચિત રકમ માટે વધુ એક ઓવરનાઈટ (રાતોરાત) VRRR હરાજી પણ હાથ ધરી હતી. હાલ અંદાજ મુજબ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં લગભગ ₹10.73 લાખ કરોડ જેટલી જંગી તરલતા સરપ્લસ (વધારાની) તરીકે પડી છે, જેને બેલેન્સ કરવા માટે RBI સતત પ્રયાસો કરી રહી છે.

 

બેંકિંગ સિસ્ટમમાં રોકડનો આટલો મોટો ભરાવો થવાનું મુખ્ય કારણ ખાસ FCNR(B) ડિપોઝિટ સ્કીમ છે. RBI ના ફોરેક્સ પગલાંથી 31 ઓગસ્ટ સુધીમાં કુલ $136.38 બિલિયન એકત્ર થયા છે. જેમાં FCNR(B) ડિપોઝિટ દ્વારા $127.23 બિલિયન, OFCB દ્વારા $5.26 બિલિયન અને ECB માર્ગે $3.89 બિલિયનનો સમાવેશ થાય છે. આ વિદેશી ચલણ ભારતમાં આવ્યા બાદ RBI સાથેના સ્વેપ સોદાથી બેંકો પાસે રૂપિયાની તરલતામાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો હતો.

 

બજારમાં મજબૂત પ્રતિસાદ મળતા FCNR(B) વિન્ડો સમય પહેલાં એટલે કે 31 ઓગસ્ટના રોજ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ECB/OFCB સુવિધા 31 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. શોર્ટ-ટર્મ માર્કેટ રેટ્સને રેપો રેટ સાથે સુસંગત રાખવા માટે કેન્દ્રીય બેંકે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ઓવરનાઈટથી લઈને 14 દિવસ સુધીની આવી કુલ 32 VRRR હરાજીઓ યોજી છે.

 

(4:01 PM IST)