News of Thursday, 16th April 2026
દિલ્હીમાં 'મેયર'ની ખુરશી માટે જંગ જામ્યો: 23મી સુધી જંગનું મેદાન તૈયાર થશે અને 29મીએ ખેલાશે 'મહાસંગ્રામ'
રાજધાનીમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકો માટે સત્તાના દાવપેચ શરૂ થઈ ગયા છે : આમ આદમી પાર્ટીનો ગઢ બચાવવા સામે ભાજપના દિગ્ગજોએ મજબૂત વ્યૂહરચના ઘડી કાઢી છે

નવી દિલ્હી: દિલ્હીની ગલીઓમાં અત્યારે ઉનાળાના તાપ કરતા રાજકારણનો પારો વધુ ગરમ છે. MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) ના મેયર પદ માટેની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આગામી 29 એપ્રિલે બપોરે 2 વાગ્યે જ્યારે મતોની ગણતરી થશે, ત્યારે દિલ્હીને તેના નવા સુકાની મળશે. આ પદ મેળવવા માટે ભાજપના કાઉન્સિલરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેતાઓ પોતાના 'રાજકીય ગુરુઓ'ની પરિક્રમા કરી રહ્યા છે અને સંગઠન પ્રત્યે પોતાનું સમર્પણ સાબિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 23 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ભરી દેવાના રહેશે, જેના માટે બે કાઉન્સિલરોના ટેકાની મહોર અનિવાર્ય છે.
ચૂંટણીનો આ તબક્કો માત્ર મેયર પદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ખાલી પડેલી ત્રણ બેઠકો માટેનો અસલી જંગ છે. અગાઉ આમ આદમી પાર્ટી (AAP) આ પદો પર મજબૂત પકડ ધરાવતી હતી, પરંતુ હાલમાં પક્ષમાં થયેલા આંતરિક બળવા અને કાઉન્સિલરોના પક્ષપલટાને કારણે સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. AAPની સંખ્યા હવે 100ની આસપાસ સમેટાઈ ગઈ છે, જે ભાજપ માટે જીતનો માર્ગ મોકળો કરી રહી છે. રાજકીય પંડિતોનું માનવું છે કે સ્ટેન્ડિંગ કમિટીની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપ કબજો જમાવી શકે છે, જે 'આપ' માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ છે.
ભાજપે આ ચૂંટણી જીતવા માટે અનુભવી અને બેદાગ છબી ધરાવતા ચહેરાઓની શોધ તેજ કરી છે. પ્રદેશ પ્રમુખ અને અલકા ગુર્જર સહિતના પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટી આ નામો પર મંથન કરી રહી છે. હાલમાં વસંત કુંજના જગમોહન મહાલાવત, પીતમપુરાના અમિત નાગપાલ અને ચાંદની ચોકના સુમન ગુપ્તા જેવા નવા ચહેરાઓ રેસમાં મોખરે છે. તેમની સામે રાજા ઈકબાલ સિંહ અને સત્ય શર્મા જેવા જૂના જોગીઓ પણ મેદાનમાં છે. હવે જોવાનું એ રહેશે કે 29 એપ્રિલે દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશન પર કોનો ધ્વજ લહેરાશે અને સત્તાના આ શતરંજમાં કોણ કોને મ્હાત આપશે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
