News of Sunday, 8th November 2026
બાવળા-બગોદરા રોડ પર પશુઆહાર બનાવતી ટિવાણા કંપનીમાં ભીષણ આગ: અનાજનો જથ્થો ખાખ
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર પશુઆહાર બનાવતી કંપનીના પતરાના શેડમાં અચાનક વિકરાળ આગ ભબકી ઊઠતાં દોડધામ, પેટ્રોલ પંપની બાજુમાં જ આગ લાગતાં સહેજમાં મોટી હોનારત ટળી.

બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા રોડ પર આવેલી પશુઆહાર બનાવતી Tiwana કંપનીમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આ કંપની પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં આવેલી હોવાથી આગની જ્વાળાઓ જોઈને આસપાસના વિસ્તાર અને રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, આ કંપની પતરાના મોટા શેડમાં કાર્યરત હતી, જેના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર શેડમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગની ચપેટમાં આવી જવાથી કંપનીની અંદર સંગ્રહિત કરવામાં આવેલો વિવિધ પ્રકારના અનાજનો મોટો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, ધોળકા, સાણંદ અને અમદાવાદ સહિતના નજીકના વિસ્તારોમાંથી કુલ પાંચ ફાયર ફાઈટર ટીમોને કામે લગાડવામાં આવી હતી. પેટ્રોલ પંપ નજીક હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગે અત્યંત તકેદારી રાખીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
હાલમાં ફાયર બ્રિગેડની મદદથી આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા શોર્ટ સર્કિટ કે અન્ય પાસાંઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરવામાં આવશે, તેમજ આ ઘટનામાં થયેલા આર્થિક નુકસાનનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
