<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

થાઇલેન્ડ જવાનું પ્લાનિંગ હોય તો સાવધાન! પ્રચંડ ચોમાસું અને તોફાની દરિયો પ્રવાસીઓની મજા બગાડી શકે છે

વધતા વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે થાઈ હવામાન વિભાગે પ્રવાસીઓ માટે જારી કરી એલર્ટ: ફુકેટ અને આસપાસના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના

તા.02: જો તમે આ અઠવાડિયે થાઇલેન્ડ ફરવા જવાનું સપનું જોઈ રહ્યા હોવ, તો તમારી બેગ પેક કરતા પહેલા એકવાર હવામાનના આ અહેવાલ પર નજર જરૂર નાખજો. હાલમાં થાઇલેન્ડ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસનું આયોજન ખોરવાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સમગ્ર દેશમાં મેઘરાજાનું જોર
થાઈ હવામાન વિભાગ (TMD) દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ, હાલમાં આંદામાન સમુદ્ર અને થાઇલેન્ડના અખાત પર નીચા દબાણનો પટ્ટો સક્રિય થયો છે. આ સિસ્ટમને કારણે માત્ર એક-બે વિસ્તારમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
કયા શહેરો અને વિસ્તારો પર સૌથી વધુ જોખમ?
ખાસ કરીને થાઇલેન્ડનો પશ્ચિમ કિનારો જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ ગણાય છે, ત્યાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ફુકેટ, ક્રાબી, ફાંગ નગા, ત્રાંગ અને સતુન જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોએ 80% જેટલા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, બેંગકોક અને તેની આસપાસના વિસ્તારોમાં પણ 60% વરસાદની સંભાવના છે, જેના કારણે પ્રવાસીઓએ બહાર નીકળતા પહેલા હવામાનની અપડેટ લેવી અનિવાર્ય બની જાય છે.
દરિયાઈ મુસાફરીમાં જોખમ
સૌથી વધુ સાવચેતી દરિયાઈ પ્રવાસ કરનારાઓએ રાખવી પડશે. TMD એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આંદામાન સમુદ્રમાં મોજાંની ઊંચાઈ 2 થી 3 મીટર સુધી પહોંચી શકે છે, જે વાવાઝોડા દરમિયાન 3 મીટરને પણ વટાવી શકે છે. નાની હોડીઓને કિનારે જ રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી પ્રવાસીઓએ બોટ ટ્રિપ્સ કે આઈલેન્ડ ટુરનું પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક તંત્રની સલાહ લેવી હિતાવહ છે.
પ્રવાસીઓ માટે ખાસ સૂચના
હવામાન વિભાગે અચાનક આવતા પૂર (Flash Flood) અને જમીન ઘસી પડવાની ઘટનાઓ પ્રત્યે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે. ખાસ કરીને રાષ્ટ્રીય ઉદ્યાનો અને પર્વતીય વિસ્તારોમાં ફરવા જવાનું હોય તો સાવચેત રહેવું. તમારી સુરક્ષા માટે સ્થાનિક હવામાન ચેતવણીઓનું પાલન કરવું જ તમારી મુસાફરીને સલામત બનાવી શકશે.

(4:37 PM IST)