<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ઈંટ-પથ્‍થરથી માર માર્યો, શાવરથી ફટકારી...! પરિણીતાએ મોત પહેલાં હાથ-પગ પર મહેંદીથી લખી સાસરિયાની ક્રુરતા

સાસરિયાની સતામણીથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્‍યું

છિંદવાડા,તા.૧૩:  મધ્‍યપ્રદેશના છિદવાડા જિલ્‍લામાંથી એક હચમચાવી દેતો મામલો સામે આવ્‍યો છે. અહીં એક પરિણીતાએ મોતને ગળે લગાવતા પહેલાં પોતાના હાથ-પગને જ સુસાઇડ નોટ બનાવી દીધા હતા. યુવતીએ મૃત્‍યુ પહેલાં પોતાના બંને હાથ અને પગ પર મહેંદીથી પોતાની સાથે થયેલી સતામણીની આખી કહાની લખી હતી. આ ચોંકાવનારા લ્લશ્‍યને જોતા જ બધા સ્‍તબ્‍ધ થઈ ગયા હતા. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

મૃતકની ઓળખ પ્રીતિ જાંગેલા તરીકે થઈ છે. પ્રીતિએ ઘરમાં રાખેલી ઝેરી દવા પી લીધી હતી. તબિયત બગડતાં તેને તાત્‍કાલિક જિલ્‍લા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્‍યાં ડોક્‍ટરોએ બે દિવસ સુધી તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પ્રીતિના લગ્ન ચૌરઈના ચન્‍હિયા ખુર્દ ગામમાં થયા હતા.

આત્‍મહત્‍યા કરતાં પહેલાં પ્રીતિએ એક અનોખો પરંતુ અત્‍યંત દુઃખદ રસ્‍તો પસંદ કર્યો હતો. તેણે પોતાના હાથ અને પગ પર મહેંદીથી સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેણે સ્‍પષ્ટપણે સાસરિયાઓ દ્વારા કરવામાં આવતી મારપીટ અને માનસિક સતામણીનો ઉલ્‍લેખ કર્યો હતો. જિલ્‍લા હોસ્‍પિટલમાં ડોક્‍ટરોની ટીમે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કર્યું છે.

મૃતકની માતા રાજકુમારી જાંગેલા (વર્મા)એ પોતાની દીકરીના સાસરિયાઓ સામે રુંવાડા ઊભા કરી દે એવા ગંભીર આરોપ લગાવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે, પ્રીતિની નાની દીકરીએ તેમને માતાના મોતની જાણ કરી હતી. જ્‍યારે તેઓ ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે પ્રીતિની હાલત અત્‍યંત ગંભીર હતી.

માતાના જણાવ્‍યા મુજબ, પ્રીતિએ મોત પહેલાં જણાવ્‍યું હતું કે, તેની સાથે અત્‍યંત નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. તેને ઈંટો અને પથ્‍થરોથી મારવામાં આવી હતી. તેના પતિએ શાવર (પાઇપ અથવા સળિયા જેવી વસ્‍તુ) વડે પણ માર માર્યો હતો, જેના નિશાન તેની પીઠ પર હતા. આરોપ છે કે તેને જબરદસ્‍તી પકડી રાખીને ઝેરી દવા પીવડાવવામાં આવી હતી.

રાજકુમારીએ જણાવ્‍યું કે, તેમનો જમાઈ વારંવાર દારૂ પીધા પછી પ્રીતિ સાથે ઝઘડો કરતો હતો. તે સવારે જ દારૂ પીવાનું શરૂ કરી દેતો હતો અને પ્રીતિ પાસે પૈસાની માગ કરતો હતો. પૈસા આપવાનો ઇનકાર કરતાં તે પ્રીતિને અનેક વખત માર મારતો હતો. પ્રીતિના લગ્નને ૧૩ વર્ષ થઈ ગયા હતા, છતાં તેના પતિનો સ્‍વભાવ ન બદલાયો.

રોજ સતામણીથી કંટાળીને પ્રીતિ લગભગ એક વર્ષથી પોતાની માતા સાથે બંડોલમાં રહેતી હતી. તેની માતા જ તેને રાશન અને અન્‍ય જરૂરી સામાન આપતી હતી. લગભગ ૧૫થી ૨૦ દિવસ પહેલાં તેનો પતિ તેને જબરદસ્‍તી ગામમાં લઈ ગયો હતો અને કહ્યું હતું કે, તેણે નવું ઘર બનાવ્‍યું છે. દીકરીનું ઘર ફરીથી વસે તેવી આશાએ માતાએ તેને તમામ જરૂરી સામાન આપીને વિદાય આપી હતી, પરંતુ ત્‍યાં ફરીથી તેની સાથે હિસા શરૂ થઈ ગઈ હતી.

આ ઘટના બાદ મૃતકના પિયર પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત માતાએ પોલીસ પાસે સમગ્ર મામલાની નિષ્‍પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે.

(9:56 AM IST)