News of Wednesday, 13th May 2026
બંગાળમાં 'અધિકારી' યુગનો આરંભ: સુવેન્દુ કેબિનેટનો પ્રથમ ધડાકો, સરહદ સુરક્ષા માટે BSF ને જમીન અને આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી!
નબન્નાના ૧૪મા માળેથી નવા બંગાળનું 'રાજકીય વ્યાકરણ' લખાયું; તુષ્ટિકરણના બદલે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાના શાસન પર ભાર - મમતા બેનર્જીની સુરક્ષા યથાવત રાખવા પણ આદેશ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ૧૫ વર્ષ બાદ એક મોટું પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યના વહીવટી મુખ્યાલય 'નબન્ના' ખાતે કાર્યભાર સંભાળતાની સાથે જ બંગાળની શાસન પદ્ધતિને નવી દિશા આપવાનો સંકેત આપ્યો છે. ૧૧ મેના રોજ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં અધિકારીએ માત્ર વહીવટી નિર્ણયો જ નથી લીધા, પરંતુ ભાજપના મૂળભૂત એજન્ડા - રાષ્ટ્રીય સુરક્ષા અને પારદર્શક શાસનને પ્રાથમિકતા આપીને એક નવા યુગની શરૂઆત કરી છે.
સીમા સુરક્ષા અને ઘૂસણખોરી પર કડક વલણ
નવી સરકારનો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ બનાવવા માટે ૬૦૦ એકર જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને સોંપવાનો રહ્યો છે. વર્ષોથી લટકતા આ પ્રોજેક્ટને સુવેન્દુ અધિકારીએ માત્ર ૪૫ દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને દાણચોરી સામે હવે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિ અપનાવવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં લાંબા સમયથી પડતર વસ્તી ગણતરીની પ્રક્રિયાને પણ વેગ આપવાની જાહેરાત કરાઈ છે.
કેન્દ્રીય યોજનાઓનો અમલ અને શાસનમાં સુધારો
બંગાળની જનતા માટે મોટા સમાચાર આપતા મુખ્યમંત્રીએ રાજ્યમાં 'આયુષ્માન ભારત' યોજનાને તાત્કાલિક લાગુ કરવાની મંજૂરી આપી છે, જે અગાઉની સરકારમાં અટવાયેલી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યની 'સ્વાસ્થ્ય સાથી' યોજના પણ ચાલુ રહેશે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરતા જૂના ફોજદારી કાયદાના સ્થાને 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) ને અમલી બનાવવાની જાહેરાત કરી છે. ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે રસ્તાઓ રોકીને પૂજા કે પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ નાગરિક સુવિધા મુજબ નિયંત્રણો રહેશે.
યુવાનો અને અમલદારો માટે રાહત
બેરોજગારીના પ્રશ્ને સંવેદનશીલતા દાખવતા સરકારે સરકારી ભરતીમાં ઉમેદવારોને વય મર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે, જેથી જે ઉમેદવારોએ અગાઉની સરકારમાં તક ગુમાવી હતી તેમને ન્યાય મળી શકે. વહીવટી સ્તરે પણ અધિકારીઓને અન્ય રાજ્યોમાં તાલીમ માટે જવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. સુવેન્દુ અધિકારીએ તેમના મંત્રીમંડળમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને નિસિથ પ્રમાણિક જેવા દિગ્ગજોને મહત્વના પોર્ટફોલિયો ફાળવીને 'ટીમ વર્ક' દ્વારા બંગાળના પુનઃનિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
