News of Friday, 24th April 2026
બંગાળ વિધાનસભા જંગ : ફલોદી સટ્ટા બજારના મતે મમતા બેનર્જીની હેટ્રિકના સંકેત, પરંતુ ભાજપ સાથે કાંટાની ટક્કરમાં બેઠકોનું અંતર ઘટવાનો અંદાજ : વાંચો ચર્ચાતી વિગાતો આધારિત વિશ્લેષણ
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ભાવ જાહેર! : આસામમાં એનડીએ અને તમિલનાડુમાં ડીએમકે મજબૂત, જ્યારે કેરળમાં સત્તા પરિવર્તન સાથે કોંગ્રેસના યુડીએફ ગઠબંધનને સરસાઈ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની સાથે જ રાજકીય પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. મતદાનની શરૂઆતની સાથે જ સત્તાની ચાવી કોના હાથમાં જશે તે પ્રશ્ન ઘેરો બન્યો છે. આ દરમિયાન ચૂંટણી પરિણામોની આગાહી માટે જાણીતા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર દ્વારા પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યો માટેના તાજા ભાવ અને બેઠકોના અંદાજ જાહેર કરવામાં આવ્યા છે, જેની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
બંગાળમાં રસાકસીભરી ટક્કર:
ફલોદી સટ્ટા બજારના તાજા સંકેતો મુજબ, પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો પર આ વખતે મુકાબલો અત્યંત કડો અને રસપ્રદ રહેવાની શક્યતા છે. સટ્ટા બજારના અંદાજ મુજબ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ૧૫૮ થી ૧૬૧ બેઠકો મળી શકે છે, જે બહુમતીના ૧૪૮ ના આંકડાથી વધુ છે. બીજી તરફ મુખ્ય વિપક્ષ ભાજપને ૧૨૭ થી ૧૩૦ બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસના ફાળે માત્ર ૪ થી ૬ બેઠકો જતી દેખાઈ રહી છે. નોંધનીય છે કે ૨૦૨૧ની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ૧૩૬ બેઠકોનું મોટું અંતર હતું, જે આ વખતે ઘટીને માત્ર ૨૮ થી ૩૩ બેઠકોની આસપાસ રહેવાની શક્યતા છે, જે દર્શાવે છે કે ભાજપે ૨૦૨૧ની સરખામણીએ મોટો વિસ્તાર કર્યો છે.
અન્ય રાજ્યોની સ્થિતિ:
સટ્ટા બજાર દ્વારા અન્ય ચાર રાજ્યો માટે પણ આગાહી કરવામાં આવી છે. આસામમાં એનડીએ ગઠબંધન ૯૭ થી ૯૯ બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધન ૨૩ થી ૨૫ બેઠકો પર સમેટાઈ શકે છે. કેરળમાં સત્તા પરિવર્તનના આસાર છે, જ્યાં કોંગ્રેસના નેતૃત્વવાળું યુડીએફ ગઠબંધન ૭૫ થી ૭૭ બેઠકો જીતી શકે છે અને ડાબેરી ગઠબંધન (LDF) ને ૬૨ થી ૬૪ બેઠકો મળવાની આશા છે. તમિલનાડુમાં ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં સત્તાધારી ડીએમકેનો જલવો યથાવત રહેવાની ધારણા છે અને તેમને ૧૪૧ થી ૧૪૪ બેઠકો મળી શકે છે.
સટ્ટા બજારની કામગીરી અને કાયદેસરતા:
ફલોદી સટ્ટા બજાર કોઈ સત્તાવાર એજન્સી નથી, પરંતુ સટોડિયાઓનો એક અનૌપચારિક નેટવર્ક છે જે અખબારોના રિપોર્ટ, રેલીઓની ભીડ અને સ્થાનિક પ્રતિસાદના આધારે અંદાજ નક્કી કરે છે. ભારત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા સટ્ટાબાજીને ગેરકાયદેસર ગણવામાં આવી છે અને આ આંકડાઓને કોઈ કાયદેસર માન્યતા નથી. ચૂંટણીના સાચા પરિણામો તો ૪ મેના રોજ ઈવીએમ ખુલ્યા બાદ જ જાહેર થશે. આ અહેવાલ માત્ર જાહેર ક્ષેત્રમાં ચાલતી ચર્ચાઓની માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
