News of Tuesday, 12th May 2026
યુકે વિઝાના નામે છેતરાતા સાવધાન! બ્રિટન સરકારે શરૂ કર્યું ખાસ અભિયાન, હવે એજન્ટો પર વિશ્વાસ કરતા પહેલા કરવી પડશે આ તપાસ
'ચેક બીફોર યુ ટ્રસ્ટ': ઇમિગ્રેશનના નામે થતી લૂંટ અટકાવવા IAA એક્શન મોડમાં - ખોટી સલાહ અને વધુ પડતી ફી વસૂલતા લેભાગુ તત્વોથી બચવા માટે સરકારનું નવું 'ઓનલાઇન રજિસ્ટર' હથિયાર

લંડન: વિદેશ જવાનું સપનું જોતા લોકો માટે યુકે (યુનાઇટેડ કિંગડમ) એ એક અત્યંત મહત્વની ચેતવણી અને નવી સુવિધા જાહેર કરી છે. યુકેની ઇમિગ્રેશન એડવાઈસ ઓથોરિટી (IAA) એ દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેનો હેતુ વિઝા અને ઇમિગ્રેશનના નામે ચાલતી છેતરપિંડી ડામવાનો છે. આ અભિયાન હેઠળ હવે અરજદારોએ કોઈ પણ એજન્ટ કે સલાહકારને પૈસા આપતા પહેલા તે સત્તાવાર રીતે નોંધાયેલા છે કે નહીં તેની ખાતરી કરવી પડશે.
છેતરપિંડી કરનારાઓ પર લગામ
અત્યાર સુધી ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અનિયંત્રિત સલાહકારો અરજદારોને ખોટું માર્ગદર્શન આપીને તેમની પાસેથી મોટી રકમ વસૂલતા હતા. આનાથી માત્ર નાણાકીય નુકસાન જ નહીં, પરંતુ અરજદારની વ્યક્તિગત માહિતીના દુરુપયોગ અને વિઝા અરજી રિજેક્ટ થવાનું જોખમ પણ રહેતું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે 'તમે તેમના પર વિશ્વાસ કરો તે પહેલાં, તેમને તપાસો' (Check before you trust) એવું સૂત્ર આપ્યું છે.
મફત ઓનલાઇન રજિસ્ટરની સુવિધા
IAA એ એક મફત ઓનલાઇન એડવાઈઝર રજિસ્ટર લોન્ચ કર્યું છે. કોઈપણ વ્યક્તિ આ રજિસ્ટરનો ઉપયોગ કરીને સેકન્ડોમાં જાણી શકશે કે જે વ્યક્તિ તેને સલાહ આપી રહી છે તે યુકેમાં કાનૂની ઇમિગ્રેશન સલાહ આપવા માટે અધિકૃત છે કે નહીં. ઇમિગ્રેશન સર્વિસીસ કમિશનર ગાઓન હાર્ટે જણાવ્યું હતું કે, "ઇમિગ્રેશન માટે મદદ માંગનારા લોકો ઘણીવાર દબાણમાં હોય છે, જેનો ફાયદો લેભાગુ એજન્ટો ઉઠાવે છે. આ ઝુંબેશ તેમને સુરક્ષિત રાખશે."
વિવિધ ભાષાઓમાં પ્રસાર
આ અભિયાનને માત્ર અંગ્રેજી જ નહીં, પરંતુ અનેક ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે જેથી યુકેમાં રહેતા અને ત્યાં જવા ઈચ્છતા વિવિધ સમુદાયો સુધી આ માહિતી પહોંચી શકે. સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને જાહેરખબરો દ્વારા આ સંદેશ સમગ્ર યુકેમાં ફેલાવવામાં આવશે.
નિયમનકારી ધોરણોનું પાલન
આ પહેલનો હેતુ એવા પ્રોફેશનલ સલાહકારોમાં વિશ્વાસ વધારવાનો પણ છે જેઓ તમામ સરકારી નીતિ-નિયમો અને વ્યાવસાયિક ધોરણોનું પાલન કરે છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશન સલાહ આપતી જણાશે તો IAA તેની સામે કડક કાનૂની કાર્યવાહી પણ કરશે.
આમ, હવે જો તમે પણ યુકે વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોવ, તો કોઈ પણ એજન્ટની લોભામણી વાતોમાં આવ્યા પહેલા સરકારના સત્તાવાર રજિસ્ટરમાં તેની તપાસ અચૂક કરજો!
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
