<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભાઈ ભાઈઃ મેળામાં ૧ કરોડથી પણ વધારેના દાગીના પહેરીને આવી મહિલાઓ

જોધપુરમાં ભરાયો અનોખો મેળો...મહિલાઓએ સોનાના ભારે-ભરખમ આભૂષણ પહેરી મેળામાં આવી હતીઃ કોઈએ ગળામાં કેટલાય તોલાનો હાર પહેર્યો હતો, તો કોઈના હાથમાં સોનાના દાગીના અને કાનમાં ભારે ભરખમ ઝૂમખાં હતાં

જોધપુરઃતા.૨૨: ઝાડની રક્ષા માટે પોતાનો જીવ આપનારી અમૃતા દેવી અને બિશ્નોઈ સમાજના ૩૬૩ લોકો જેમણે બલિદાન આપ્‍યું, તેમની યાદમાં દર વર્ષે રાજસ્‍થાનમાં બિશ્નોઈ સમાજનો ખાસ મેળો ભરાય છે. જોધપુરના ખેજડલી ગામમાં સોમવારે શહીદી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ખેજડીના ઝાડને બચાવવા માટે ૨૯૬ વર્ષ પહેલાં ૩૬૩ લોકોને આપેલા બલિદાન યાદ કરવા માટે દર વર્ષે આ મેળો ભરાય છે. આ વખતે મેળામાં બિશ્નોઈ સમાજની મહિલાઓનું અલગ જ રૂપ જોવા મળ્‍યું હતું. મહિલાઓએ સોનાના ભારે-ભરખમ આભૂષણ પહેરી મેળામાં આવી હતી. કોઈએ ગળામાં કેટલાય તોલાનો હાર પહેર્યો હતો, તો કોઈના હાથમાં સોનાના દાગીના અને કાનમાં ભારે ભરખમ ઝૂમખાં હતાં.

કેટલીય મહિલાઓ તો લાખો-કરોડો રૂપિયાની જ્‍વેલરી પહેરીને આવી હતી. જ્‍યારે અમુક મહિલાઓના આભૂષણની કિમત એક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ગૃહિણીઓ સાથે બિઝનેસ સાથે જોડાયેલી મહિલાઓ પણ આ મેળામાં આવી હતી અને શહીદોને નમન કરી ખેજડી અને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપ્‍યો હતો.

દૂર દૂરથી આવે છે લોકો, હવનમાં નારિયેળની આપે છે આહુતિઃ ખેજડલી મેળામાં ખાલી જોધપુર જ નહીં પણ રાજસ્‍થાનના કેટલાય જિલ્‍લામાંથી લોકો અહીં આવે છે. ફલોદી, નાગૌર, બીકાનેર, સાંચૌર, જાલોર અને પાલી સહિત કેટલીય જગ્‍યાએથી બિશ્નોઈ સમાજના લોકો અહીં આવે છે. રાજસ્‍થાનની બહારથી પણ લોકો આ મેળામાં આવે છે. હરિયાણા, પંજાબ અને મધ્‍ય પ્રદેશથી આવેલા લોકોએ પણ શહીદોને શ્રદ્ધાંજાલિ આપી હતી. મેળામાં હવનનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જ્‍યાં લોકોએ નારિયેળની આહુતિ આપી હતી. ત્‍યાર બાદ શહીદ સ્‍મારક પર પહોંચીને ૩૬૩ શહીદોને નમન કર્યું. સવારથી ખેજડલીમાં લોકો પહોંચી રહ્યા હતા.

ઝાડ બચાવવા માટે અમૃતા દેવી સાથે ઊભા રહ્યા હતા ગામના લોકોઃખેજડલીમાં આજથી ૨૯૬ વર્ષ પહેલાં ઝાડને બચાવવા માટે એવું આંદોલન થયું હતું, જેની મિસાલ આજે પણ આપવામાં આવે છે. કહેવાય છે કે, મહારાજા અભય સિહના સમયે મહેલ બનાવવા માટે ખેજડીના ઝાડ કાપવા માટે સૈનિક ખેજડલી આવ્‍યા હતા. સૈનિકોએ ઝાડ કાપવાનું શરૂ કર્યું તો ગામના અમૃતા દેવીએ તેનો વિરોધ કર્યો. તે ઝાડને વીંટળાઈ ગયા હતા. ત્‍યાર બાદ તેમની દીકરીઓ આસૂ, રત્‍ની અને ભાગૂ બાઈ પણ ઝાડને વીંટળાઈ ગઈ. એક પછી એક ગામના તમામ લોકો ઝાડને બચાવવા માટે સામે આવ્‍યા. સૈનિકોની કાર્યવાહીમાં ૩૬૩ લોકોના મોત થયા હતા. તેમાં ૭૧ મહિલાઓ અને ૨૯૨ પુરુષો હતા.

૩૬૩ લોકોની શહાદતની યાદમાં દર વર્ષે ભરાય છે મેળોઃ ખેજડલીની ઘટના બાદ મહારાજા અભય સિહને જ્‍યારે ૩૬૩ લોકોના બલિદાનની જાણકારી મળી તો ઝાડ કાપતા રોકવાનો આદેશ આપ્‍યો. બિશ્નોઈ સમાજને લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્‍યું કે મારવાડમાં ખેજડીના ઝાડ કાપવામાં નહીં આવે. આ ઘટનાની યાદમાં દર વર્ષે ભાદરવાની દશમના રોજ ખેજડલીમાં શહીદી મેળો ભરાય છે. આ મેળામાં દેશના અલગ અલગ ભાગમાં બિશ્નોઈ સમાજના લોકો આવે છે. ઝાડ સાથે વન્‍યજીવોની રક્ષાને લઈને પણ આ સમાજ લાંબા સમયથી કામ કરતો આવ્‍યો છે. ખેજડલીની શહાદતને આજે પણ પર્યાવરણ બચાવવાની મિસાલ તરીકે યાદ કરવામાં આવે છે.

(10:38 AM IST)