<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ભારતી સિંહ અને શેખર સુમનને ૧૬ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ મોટી રાહત: હેટ-સ્પીચના કેસમાં હાઈ કોર્ટે ફગાવી FIR, વર્ષો જૂનો વિવાદ થયો શાંત!

‘યા અલ્લાહ’, ‘રસગુલ્લા’ અને ‘દહીભલ્લા’ જેવા શબ્દો બોલવાથી ધર્મનું અપમાન નથી થતું: અદાલતે અવલોકન કરતા બન્ને કલાકારોને નિર્દોષ જાહેર કર્યા

મુંબઈ: બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૦ના એક કથિત હેટ-સ્પીચ કેસમાં જાણીતા કલાકારો શેખર સુમન અને કૉમેડિયન ભારતી સિંહને મોટી રાહત આપી છે. એક ટીવી કૉમેડી શો દરમિયાન ‘યા અલ્લાહ’, ‘રસગુલ્લા’ અને ‘દહીભલ્લા’ જેવા શબ્દપ્રયોગો કરવા બદલ આ બન્ને કલાકારો સામે નોંધાયેલી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ને હાઈ કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા સાથે જ છેલ્લા ૧૬ વર્ષથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીનો અંત આવ્યો છે.
ધાર્મિક અપમાનનો હેતુ જણાતો નથી
અદાલતે આ મામલે અવલોકન કરતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ખાદ્ય પદાર્થોના નામનો ઉલ્લેખ કરવાથી કોઈ ધર્મનું અપમાન થતું નથી. ન્યાયાધીશોએ ચુકાદામાં નોંધ્યું હતું કે કાયદાની કલમનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈનો ઈરાદો જાણીજોઈને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો હોય. પ્રસ્તુત કિસ્સામાં કલાકારો દ્વારા કરવામાં આવેલા શબ્દપ્રયોગો સામાન્ય સામાજિક વ્યવહારમાં તટસ્થ છે અને તેમાં કોઈ નકારાત્મક ઈરાદો કે પુરાવા જણાતા નથી.
શું હતો સમગ્ર વિવાદ?
આ કેસની વિગતો મુજબ, ૨૦૧૦માં એક કૉમેડી શો દરમિયાન કલાકારોએ કરેલી ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ હતો. જોકે, હાઈ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે કોઈ કૉમિક એક્ટમાં માત્ર ખાદ્ય ચીજવસ્તુઓના નામ લેવાને ધર્મનું અપમાન ગણી શકાય નહીં. આ આદેશ બાદ ભારતી સિંહ અને શેખર સુમનને લાંબા સમય બાદ હાશકારો થયો છે અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

(9:08 PM IST)