<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ભુવનેશ્વર: જગન્નાથ સંસ્કૃતિ સાથે ચેડાં કરનાર ઈસ્કોન સામે 'કલિંગ સેના' લાલઘૂમ: આગામી રથયાત્રામાં પ્રવેશબંધીની ચીમકી

​પરંપરાથી વિરુદ્ધ 'અસમય' રથયાત્રા યોજવા સામે ઉગ્ર વિરોધ: ગજપતિ મહારાજના અપમાનનો બદલો લેવા કલિંગ સેનાનું આંદોલન, ઈસ્કોનના તમામ કેન્દ્રો પર તાળા મારવાની ચીમકી

​ભુવનેશ્વર: ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાના પવિત્ર તહેવારને લઈને ધાર્મિક વિવાદ વકર્યો છે. જગન્નાથ સંસ્કૃતિ અને પરંપરાઓનું ઉલ્લંઘન કરી, શાસ્ત્રોક્ત તિથિઓ સિવાય 'અસમય' રથયાત્રા યોજવા બદલ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન) સામે કલિંગ સેનાએ મોરચો માંડ્યો છે. ભુવનેશ્વરમાં કલિંગ સેનાના કાર્યકરોએ ઈસ્કોન મંદિર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરીને સંસ્થાને કડક ચેતવણી આપી છે.

​પરંપરાનો ભંગ અને ગજપતિ મહારાજનું અપમાન

કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથના નેતૃત્વમાં સેનાના કાર્યકરોએ ઈસ્કોન દ્વારા કરવામાં આવતી અનિયમિત રથયાત્રાઓને લઈને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. હેમંત રથે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ - જેમને ભગવાન જગન્નાથના પ્રથમ સેવક માનવામાં આવે છે - તેમની દ્વારા કરવામાં આવેલી અપીલને ઈસ્કોન દ્વારા સરાજાહેર ઠુકરાવવામાં આવી છે. ગજપતિ મહારાજે વિશ્વભરના ઈસ્કોન કેન્દ્રોને શાસ્ત્રોક્ત વિધિ અને નક્કી કરેલી તિથિ મુજબ જ રથયાત્રા યોજવા અનુરોધ કર્યો હતો, પરંતુ તેનું પાલન ન થતાં ઓડિશાના લોકોની લાગણી દુભાઈ છે.

​૧૬ જુલાઈની રથયાત્રામાં ઈસ્કોન ભક્તોને અટકાવવાની તૈયારી

કલિંગ સેનાએ રથયાત્રાના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને ગંભીર ચેતવણી આપી છે. હેમંત રથે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૬ જુલાઈના રોજ પુરીમાં યોજાનારી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રામાં ઈસ્કોન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ કે ભક્તોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, જે સંસ્થાને ભગવાન જગન્નાથની મૂળ સંસ્કૃતિ પ્રત્યે આદર નથી, તેને ઓડિશાની ધરતી પર રહેવાનો કે પૂજા કરવાનો કોઈ અધિકાર નથી.

​સમગ્ર રાજ્યમાં ઈસ્કોનના મંદિરોને તાળા મારવાની ચીમકી

આ વિવાદ માત્ર પુરી પૂરતો મર્યાદિત નથી. કલિંગ સેનાએ ભુવનેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં ઈસ્કોનની તમામ પ્રવૃત્તિઓ અટકાવવાની વાત કરી છે. હેમંત રથે જણાવ્યું હતું કે, જો ઈસ્કોન વિશ્વભરમાં 'અસમય' રથયાત્રા યોજવાનું બંધ નહીં કરે, તો રાજ્યમાં આવેલા તેમના તમામ મંદિરોને ટાર્ગેટ કરીને ત્યાં તાળા મારી દેવામાં આવશે. સેનાએ ઓડિશાના તમામ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં ઈસ્કોનની આવી સંસ્કૃતિ વિરોધી પ્રવૃત્તિઓનો વિરોધ કરે.

​છેલ્લા કેટલાક સમયથી ઈસ્કોન દ્વારા ભારત સહિત વિદેશોમાં પવિત્ર તિથિઓ સિવાય રથયાત્રા યોજવામાં આવી રહી છે, જેને લઈને સ્થાનિક ધાર્મિક સમિતિઓ અને જગન્નાથ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે કલિંગ સેનાના આ આક્રમક વલણને પગલે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

(12:36 PM IST)