<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અયોધ્યા રામ મંદિર દાન ઉચાપત કેસમાં મોટો ધડાકો : ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી એફઆઈઆર દાખલ : અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા સહિતના નામ ખૂલ્યા : કરોડોના ચઢાવાની ચોરીના મામલામાં યોગી આદિત્યનાથની કડક કાર્યવાહી

હદ થઈ ગઈ : દાનના રૂપિયાની ગણતરીની જવાબદારી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઈને સોંપવામાં આવી હતી, પરંતુ બૅન્કે આ કામગીરી વારાણસીની એક ખાનગી એજન્સીને આપી દીધી હતી : એજન્સીએ સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અંગત ભલામણોના આધારે સ્થાનિક યુવાનોની ભરતી કરી લીધી હતી : બીએનએસ ની કલમ ૩૦૬, ૩૧૬ ૫, ૩૧૭ ૪, ૩૧૭ ૫, ૬૧ અને ૩ ૫ હેઠળ નોંધાયો ગુનો : એસઆઈટી તપાસ બાદ પોલીસની મોટી કાર્યવાહી : ટિન્નુ યાદવ, મનીષ યાદવ, અવિનાશ શુક્લા પણ કાયદાના સકંજામાં

અયોધ્યા: અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને ચઢાવાની ગણતરીમાં થયેલી કથિત ઉચાપત કેસમાં ઉત્તર પ્રદેશ સરકારના કડક આદેશ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ પર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ની કલમ ૩૦૬, ૩૧૬ ૫, ૩૧૭ ૪, ૩૧૭ ૫, ૬૧ અને ૩ ૫ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડિજિટલ મીડિયા અને ન્યૂઝ એજન્સી એએનઆઈ સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિસ્તૃત વિગતો અનુસાર, આ કેસમાં અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, ટિન્નુ યાદવ, મનીષ યાદવ અને અન્ય કેટલાક લોકોના નામ એફઆઈઆર માં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશથી બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ સોંપાયા બાદ આ સકંજો કસવામાં આવ્યો છે.
એસઆઈટી ની તપાસમાં સામે આવ્યું છે કે દાનના રૂપિયાની ગણતરીની જવાબદારી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઈ ને સોંપવામાં આવી હતી, પરંતુ બૅન્કે આ કામગીરી વારાણસીની એક ખાનગી એજન્સીને આપી દીધી હતી. આ એજન્સીએ સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અંગત ભલામણોના આધારે સ્થાનિક યુવાનોની ભરતી કરી લીધી હતી. કથિત રીતે અનુકલ્પ મિશ્રાએ તેના સગા લવકુશ મિશ્રાને નોકરી પર રખાવ્યો હતો.
અત્યાર સુધીની તપાસમાં ૫૦ થી વધુ કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. અગાઉ પોલીસ અને તપાસ એજન્સીઓએ દરોડા પાડીને આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ, એક કાર, મોંઘા મોબાઇલ ફોન અને પ્રોપર્ટીના કાગળો જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી દાનપેટીઓની ચાવીઓ પણ મળી આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સુરક્ષા અને ચેકિંગમાં રાખવામાં આવેલી ભયંકર બેદરકારી અને આયોજનબદ્ધ કાવતરાના કારણે આ મોટું કૌભાંડ આચરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હવે તમામ આરોપીઓ સામે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. *

(9:27 PM IST)