<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

B2B ક્ષેત્રે મોટો ધડાકો: ઉડાન (Udaan) એ સ્વિગીના 'લિંક્સ લોજિસ્ટિક્સ'ને ૫૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું, સ્વિગીને મળશે ૩.૨% હિસ્સો!

શેર સ્વેપ ડેલિ અને રૂ. ૭૫ કરોડના રોકાણ સાથે ભારતની બે મોટી ટેકનોલોજી કંપનીઓ વચ્ચે મોટો સોદો; દક્ષિણ અને પૂર્વ ભારતના રિટેલ માર્કેટમાં ઉડાનનો પાયો વધુ મજબૂત બનશે

નવી દિલ્હી : ભારતના B2B ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સોદાની જાહેરાત કરવામાં આવી છે. દેશના જાણીતા B2B પ્લેટફોર્મ 'ઉડાન' (Udaan) એ ફૂડ ડિલિવરી અને ક્વિક-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની સ્વિગી (Swiggy) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 'લિંક્સ લોજિસ્ટિક્સ લિમિટેડ' (LYNK Logistics) ને રૂ. ૫૦૦ કરોડમાં હસ્તગત કરવાની અધિકૃત જાહેરાત કરી છે.

 

આ સમગ્ર વ્યવહાર શેર સ્વેપ (Share Swap) અને પ્રાથમિક રોકાણના સમન્વયથી પૂર્ણ કરવામાં આવશે. સોદા મુજબ, સ્વિગીને ઉડાનની મૂળ પેરેન્ટ કંપની 'ટ્રસ્ટરૂટ ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડ' (TIPL) માં પ્રેફરન્સ ઈક્વિટી શેર ફાળવવામાં આવશે. જેના ભાગરૂપે સ્વિગીને ઉડાનમાં ૨.૮ ટકા હિસ્સો મળશે, જ્યારે સ્વિગી વધુ રૂ. ૭૫ કરોડનું રોકાણ કરીને ઉડાનમાં વધારાનો ૦.૪ ટકા હિસ્સો ખરીદશે. આમ, આ સોદા બાદ સ્વિગી પાસે ઉડાનમાં કુલ ૩.૨ ટકાનો હિસ્સો રહેશે. આ હસ્તાંતરણ પ્રક્રિયા ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

 

લિંક્સ લોજિસ્ટિક્સના સંપાદનથી ઉડાનના રિટેલ વિતરણ નેટવર્કને અભૂતપૂર્વ મજબૂતી મળશે. લિંક્સની કુલ આવકમાં બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા શહેરોનો ફાળો આશરે ૭૫ ટકા જેટલો છે. ઉડાનના સીઈઓ વૈભવ ગુપ્તાના જણાવ્યા મુજબ, આ પગલાથી ભારતના સૌથી મહત્વપૂર્ણ વપરાશ બજારોમાં કંપનીની પકડ વધુ મજબૂત બનશે અને દેશના રિટેલ ઈકોસિસ્ટમને અદ્યતન ટેકનોલોજી આધારિત સપ્લાય ચેઈન મળશે.

(8:44 PM IST)