<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બિહારના રાજકારણમાં મોટો ધડાકો: નીતિશ કુમારની પાર્ટી JDUનું નામ બદલવાની તીવ્ર તૈયારીઓ; સંજય ઝાએ નેતાઓને કરી ખાસ અપીલ!

જનતા દળ યુનાઇટેડ હવે 'જનતા દળ નીતિશ' તરીકે ઓળખાય તેવો રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખનો પ્રસ્તાવ; ફરક્કા પાણી સંધિ મામલે બિહાર સાથે અન્યાયનો મુદ્દો પણ ગરમાયો

પટના, તા.10: બિહારના રાજકારણમાં એક અત્યંત મોટા અને રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે. જનતા દળ યુનાઇટેડ (JDU) ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સંજય ઝાએ પાર્ટીનું નામ બદલીને 'જનતા દળ નીતિશ' કરવાની સત્તાવાર અપીલ કરી છે. ખાગરિયા ખાતે આયોજિત 'નીતિશ સંવાદ' કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહની ઉપસ્થિતિમાં સંજય ઝાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના સર્વાંગી વિકાસ અને પાર્ટીના ઉત્થાન માટે જે અપ્રતિમ યોગદાન આપ્યું છે, તેને માન આપવા માટે પાર્ટીનું નામ હવે 'જનતા દળ નીતિશ' રાખવું જોઈએ. 

બખ્તિયારપુરનું નામ બદલીને 'નીતિશપુરમ' કરવાની માંગ

બિહારમાં રાજકીય નામો બદલવાની માંગણીઓ વચ્ચે આ નવો વિવાદ અને પ્રસ્તાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારના જન્મસ્થળ બખ્તિયારપુરનું નામ બદલીને 'નીતિશપુરમ' કરવાની માંગ પહેલાથી જ જોર પકડી રહી છે. હિન્દુસ્તાની આમ મોરચાના પ્રમુખ સંતોષ કુમાર સુમને પણ આ માંગને સમર્થન આપ્યું છે. સંજય ઝાએ ઉમેર્યું કે જ્યારે પણ બિહારમાં વિકાસની વાત આવે છે, ત્યારે નીતિશ કુમારનું નામ આપોઆપ મોખરે આવી જાય છે. 

ફરક્કા પાણી સંધિ અને બિહાર સાથે અન્યાયનો મુદ્દો ગરમાયો

સંજય ઝા હાલમાં ગંગા કિનારે આવેલા ૧૨ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે, જેમાં તેઓ બાંગ્લાદેશ સાથેની 'ફરક્કા પાણી સંધિ' અંગે જનતા સાથે સંવાદ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ફરક્કા બેરેજના કારણે ગંગામાં કાંપ જમા થઈ રહ્યો છે અને બિહાર દર વર્ષે ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ૩૦ વર્ષથી બિહાર આ અન્યાય સહન કરી રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીની બિહારની પાણીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને રાજ્યનો હિસ્સો નક્કી કર્યા વગર બાંગ્લાદેશ સાથેની ગંગા પાણી વહેંચણી સંધિનું નવીનીકરણ કરવું બિહારના હિતો વિરુદ્ધ છે અને પાર્ટી આ મામલે જનતા વચ્ચે જશે.

(4:06 PM IST)