<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

કેજરીવાલને મોટો ઝટકો: PM મોદીની ડિગ્રી સંબંધિત દસ્તાવેજો માંગતી અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ગુજરાત યુનિવર્સિટીના બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજી કોર્ટે રદ કરી, કાયદાકીય દાવપેચમાં AAP નેતાની મોટી હાર

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં આજે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપતા તેમની રિવિઝન અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે મેટ્રોપોલિટન કોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં તેમણે CrPC ની કલમ 91 હેઠળ વડાપ્રધાન મોદીના શિક્ષણ અને ડિગ્રી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરી હતી, જે ટ્રાયલ કોર્ટે અગાઉ નામંજૂર કરી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સેથુરામન કેસમાં સુપ્રીમ કોર્ટના નઝીરાના આધારે, કલમ 91 હેઠળનો આદેશ 'વચગાળાનો' ગણાય છે, જેને CrPC ની કલમ 397(2) હેઠળ રિવિઝન અરજી દ્વારા પડકારી શકાય નહીં. આથી, અરવિંદ કેજરીવાલની આ કાયદાકીય રજૂઆત કોર્ટ સમક્ષ ટકવાપાત્ર નથી. ગુજરાત યુનિવર્સિટીના વકીલોએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને આ અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો.

આ કેસની શરૂઆત ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડાપ્રધાનની ડિગ્રી સંબંધિત RTI આદેશ રદ થયા બાદ થઈ હતી, જેના બીજા જ દિવસે યુનિવર્સિટીએ કથિત ટિપ્પણીઓ બદલ કેજરીવાલ અને સંજય સિંહ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. મેટ્રોપોલિટન કોર્ટમાં આ કેસની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં હવે કેજરીવાલને દસ્તાવેજો મેળવવાની આ કાયદાકીય રાહત મળી નથી.

હવે આ કેસમાં ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી આગળ વધશે. અરવિંદ કેજરીવાલ પાસે હવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો વિકલ્પ બાકી રહે છે અથવા તો તેમણે નીચલી કોર્ટમાં ચાલતી ટ્રાયલનો સામનો કરવો પડશે. બદનક્ષીના આ કેસમાં હવે આગામી સુનાવણી દરમિયાન બચાવ પક્ષ કઈ રણનીતિ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

(11:22 AM IST)