News of Wednesday, 13th May 2026
ભારત-નેપાળ સરહદ પર મુસાફરીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ઓળખપત્ર વિના નો એન્ટ્રી, ડ્રાઇવરોએ QR કોડ સ્કેન કરી ઓનલાઈન ફોર્મ ભરવું પડશે!
ભીત્થામોર બોર્ડર પર નવી કસ્ટમ સિસ્ટમ લાગુ થતા પ્રવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં; વાહનો માટે 30 દિવસની સમયમર્યાદા નક્કી, દસ્તાવેજોમાં સહેજ પણ ભૂલ હશે તો પાછા ફરવું પડશે

સુરસંદ, તા.૧૩: ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના રોટી-બેટીના સંબંધો અને મુક્ત અવરજવરના દિવસો હવે બદલાઈ રહ્યા છે. નેપાળ કસ્ટમ્સ વિભાગે સરહદ પર દેખરેખ અને સુરક્ષા વધારવા માટે એક નવી અને કડક સિસ્ટમ અમલમાં મૂકી છે. આ નવી વ્યવસ્થાને કારણે હવે ભારતથી નેપાળ જતી વખતે માત્ર વાહન જ નહીં, પણ મુસાફરો અને ડ્રાઇવરોએ પણ કડક તપાસમાંથી પસાર થવું પડશે.
ઓનલાઈન ઘોષણા અને QR કોડની ઝંઝટ
નવા નિયમો મુજબ, નેપાળમાં પ્રવેશતા તમામ ભારતીય વાહનોના ડ્રાઇવરોએ હવે સરહદ પર મુકવામાં આવેલા QR કોડ સ્કેન કરવાના રહેશે. આ કોડ સ્કેન કર્યા પછી, તેમણે ઓનલાઈન 'કામચલાઉ વાહન ઘોષણા' (Temporary Vehicle Declaration) પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આટલું જ નહીં, ડ્રાઇવર અને વાહનમાં સવાર તમામ કર્મચારીઓ તેમજ પ્રવાસીઓએ પોતે ભારતીય હોવાના પુરાવા તરીકે માન્ય ઓળખપત્ર (ID Card) બતાવવા ફરજિયાત છે.
30 દિવસની મર્યાદા અને વેપાર પર અસર
સ્થાનિક ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર, હવે કોઈપણ ભારતીય વાહન આખા વર્ષ દરમિયાન મહત્તમ માત્ર ૩૦ દિવસ માટે જ નેપાળમાં રહી શકશે. આ મર્યાદાને કારણે લાંબા સમય માટે નેપાળ જતા પ્રવાસીઓ અને માલસામાનની હેરાફેરી કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. વેપારી મનીષ મલ્હોત્રાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કડક નિયમોને કારણે કાયદેસરનો વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયો છે અને સરહદી વિસ્તારોમાં પર્યટન પર પણ માઠી અસર પડી રહી છે.
નેપાળ જતા પહેલા આટલી તૈયારી રાખજો
જો તમે પ્રવાસ કે યાત્રા માટે નેપાળ જવાનું વિચારી રહ્યા હોવ, તો નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે:
- વાહન માટે: આરસી બુક, વીમો અને પીયુસી જેવા તમામ માન્ય દસ્તાવેજો (બાઈક, કાર કે બસ માટે).
- મુસાફરો માટે: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ જેવા ફોટો આઈડી.
- યાત્રાળુઓ માટે: શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પણ ઓળખપત્ર હવે ફરજિયાત છે.
સ્થાનિક લોકો અને વેપારી સંગઠનો હવે માગ કરી રહ્યા છે કે આ પ્રક્રિયાને થોડી હળવી કરવામાં આવે જેથી સામાન્ય મુસાફરો અને યાત્રાળુઓને મુશ્કેલી ન પડે. અત્યારે તો નેપાળની સરહદ પર કસ્ટમ ક્લિયરન્સ મેળવવું એ કોઈ કસોટીથી ઓછું નથી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
