News of Tuesday, 30th June 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, જે નેતાએ ૫ દિવસ પહેલા સરકારને ઘેરી હતી એ જ સચિન આહિર શિંદે જૂથમાં જોડાયા!
મુંબઈમાં પૂરના મુદ્દે સરકારની આકરી ટીકા કરનારા આહિરે પક્ષપલટો કરીને તરત જ વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી; સોશિયલ મીડિયા પર જૂનો વીડિયો વાયરલ

મુંબઈ, તા.૩૦: મહારાષ્ટ્રના રાજકારણમાં પક્ષપલટા અને આશ્ચર્યજનક વળાંકોનો દોર સતત ચાલુ છે. મંગળવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઠાકરે છાવણીના વફાદાર અને વરિષ્ઠ નેતા ગણાતા વિધાન પરિષદના સભ્ય (MLC) સચિન આહિર સત્તાવાર રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ હિલચાલથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હજુ થોડા દિવસો પહેલા જ આહિરે મુંબઈમાં ચોમાસાના પૂરને લઈને આ જ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
પક્ષમાં જોડાતાની સાથે જ મોટું ઈનામ: ડેપ્યુટી ચેરમેન માટે ફોર્મ ભર્યું
એકનાથ શિંદેના જૂથમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ સચિન આહિરને મોટી લોટરી લાગી છે. તેમણે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ (ડેપ્યુટી ચેરમેન) પદ માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર (ઉમેદવારીપત્ર) દાખલ કરી દીધું છે. આ પ્રસંગે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
૫ દિવસ પહેલાની ટીકા બની ચર્ચાનો વિષય: "૧૦૬ ટકા સફાઈનો દાવો ક્યાં ગયો?"
સચિન આહિરનો આ પક્ષપલટો સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યો છે. હજુ ગત ૨૪ જૂનના રોજ તેમણે મુંબઈમાં સામાન્ય વરસાદ બાદ ભરાયેલા પાણી અંગે શિંદે-ફડણવીસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક વીડિયોમાં તેમણે શાસક ગઠબંધનને ઘેરતા કહ્યું હતું કે,
“જો આટલા ઓછા વરસાદમાં આ સ્થિતિ હોય તો મેયર ક્યાં છે? બપોરે દાવો કરાયો હતો કે ડ્રેઇન (નાળા) ની સફાઈ ૧૦૬ ટકા પૂરી થઈ ગઈ છે. કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યમાં તમારી સરકાર છે, મુખ્યમંત્રી તમારા છે અને શહેરી વિકાસ વિભાગ પણ તમારી પાસે છે, છતાં વ્યવસ્થા કેમ યોગ્ય નથી? જો આવું જ ચાલશે તો મુંબઈ નાણાકીય રાજધાની તરીકેનું સ્થાન ગુમાવી દેશે.”
થોડા દિવસો પહેલા જ ઠાકરે સાથે વ્યુહરચના ઘડી હતી
રાજકીય વિશ્લેષકો આહિરના આ પગલાથી આશ્ચર્યચકિત છે કારણ કે ૨૨ જૂને મુંબઈના શિવાલય ખાતે યોજાયેલી શિવસેના યુબીટીની અતિ મહત્વની બેઠકમાં તેઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની બિલકુલ નજીક બેઠા હતા અને આગામી ચોમાસુ સત્ર માટે વ્યુહરચના ઘડી રહ્યા હતા.
આ પક્ષપલટાને શિંદે છાવણીની એ રણનીતિના ભાગરૂપે જોવામાં આવે છે, જેના હેઠળ તેઓ આગામી ચૂંટણીઓ પહેલા હરીફ યુબીટી જૂથના પ્રભાવશાળી નેતાઓને પોતાની તરફ ખેંચીને મહારાષ્ટ્રના રાજકારણ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરવા માંગે છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
