<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રૂ. ૨ કરોડના હાઈપ્રોફાઈલ MD ડ્રગ્સ કેસમાં ઇન્દોર પોલીસની મોટી ફજેતી: લેબોરેટરીના રિપોર્ટમાં પકડાયેલો પાવડર ‘યુરિયા ખાતર’ નીકળતા કોર્ટે તમામ આરોપીઓને કર્યા નિર્દોષ મુક્ત

​વાહવાહી લૂંટવાના ચક્કરમાં ટ્રેની IPS સહિત ૧૯ પોલીસકર્મીઓએ રચ્યું હતું નકલી ડ્રગ્સ નેટવર્કનું મોટું ષડયંત્ર; ખોટા કેસમાં સંડોવાયેલા બરતરફ પોલીસકર્મીને કોર્ટે સન્માનભેર બરી કરવાનો આપ્યો ઐતિહાસિક ચુકાદો

​ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી સનસનાટી મચાવનારો અને સમગ્ર પોલીસ બેડાને હચમચાવી મૂકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્દોર પોલીસે જે પાવડરને રૂપિયા બે કરોડની કિંમતનું અત્યંત ખતરનાક 'એમડી ડ્રગ્સ' (મેફેડ્રોન) ગણાવીને પીઠ થાબડી હતી, તે વાસ્તવમાં ખેતરમાં વપરાતું સામાન્ય યુરિયા ખાતર અને પોટેશિયમ નાઈટ્રેટ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના રિપોર્ટમાં થયો છે. આ નકલી કેસની ગંભીર નોંધ લઈને સ્પેશિયલ કોર્ટે જેલમાં બંધ તમામ આરોપીઓ સહિત ખોટા કેસમાં ફસાવવામાં આવેલા એક બરતરફ પોલીસકર્મીને નિર્દોષ જાહેર કરી બરી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે આ સમગ્ર પ્રકરણને પોલીસ વિભાગનું પૂર્વઆયોજિત કાવતરું ગણાવીને ૨ આઈપીએસ (IPS) અધિકારીઓ સહિત કુલ ૧૯ પોલીસ કર્મચારીઓ સામે ષડયંત્ર રચવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

​પતિ-પત્નીના વિવાદમાંથી ઊભો કરાયો નકલી ડ્રગ્સનો ખેલ

મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત એક પતિ-પત્નીના પારિવારિક ઝઘડાથી થઈ હતી. આ મામલામાં ઇન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશને પોતાની છબી ચમકાવવા અને પબ્લિસિટી મેળવવા માટે રાતોરાત યુરિયા ખાતરના જથ્થાને એમડી ડ્રગ્સ તરીકે દર્શાવી દીધું હતું. પોલીસે ફેબ્રુઆરી મહિનામાં દાવો કર્યો હતો કે તેઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ નેટવર્ક પકડી પાડ્યું છે અને એનડીપીએસ એક્ટ (NDPS Act) ની કલમ ૮/૨૨ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

​પોલીસકર્મીને નોકરીમાંથી બરતરફ કરી જેલમાં ધકેલી દીધો હતો

પોલીસે પકડેલા મુખ્ય આરોપી શાહનવાઝના કથિત નિવેદન (મેમોરેન્ડમ) ના આધારે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લખન ગુપ્તાને આ કેસમાં સહ-આરોપી બનાવી દેવાયો હતો. ખાતાકીય તપાસના નામે તેને તાત્કાલિક અસરે નોકરીમાંથી બરતરફ પણ કરી દેવામાં આવ્યો હતો અને લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડ્યો હતો.

​ભોપાલ અને હૈદરાબાદની FSL રિપોર્ટે પોલીસનો ભાંડો ફોડ્યો

પોલીસે જે પદાર્થને બે કરોડનું એમડી ડ્રગ્સ ગણાવ્યું હતું, તેના સેમ્પલ જ્યારે ભોપાલ સ્થિત રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ત્યારબાદ હૈદરાબાદની સેન્ટ્રલ લેબમાં મોકલવામાં આવ્યા ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. વૈજ્ઞાનિક તપાસના અહેવાલમાં સ્પષ્ટ થયું કે જપ્ત કરાયેલો પદાર્થ કોઈ નશીલો પદાર્થ નથી પરંતુ માત્ર ૨ રૂપિયાની કિંમતનું યુરિયા ખાતર છે. આ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ થતાં જ ઇન્દોર પોલીસની કાયદાકીય કામગીરીના લીરેલીરા ઊડી ગયા હતા અને સરકારી વકીલે પણ સ્વીકારવું પડ્યું હતું કે આ કેસ તદ્દન તથ્યહીન છે.

​ટ્રેની આઈપીએસ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં

અદાલતે ચુકાદો સંભળાવતા જણાવ્યું કે, આ કોઈ સામાન્ય ભૂલ નથી પરંતુ નિર્દોષ લોકોને ફસાવવા માટે રચેલું એક સુનિયોજિત કાવતરું છે. આ સમગ્ર હાઈપ્રોફાઈલ દરોડાની કાર્યવાહીમાં સામેલ ૨ ટ્રેની આઈપીએસ (IPS) અધિકારીઓ અને અન્ય ૧૭ પોલીસ કર્મચારીઓની ભૂમિકા અત્યંત શંકાસ્પદ રહી છે. પોતાની વાહવાહી કરાવવા માટે કાયદાના રક્ષકોએ જ કાયદાનો દુરુપયોગ કર્યો હોવાનું કોર્ટના અવલોકનમાં સામે આવ્યું છે. હાલમાં કોર્ટે બરતરફ પોલીસકર્મી સહિત તમામને સન્માનભેર મુક્ત કર્યા છે અને કાવતરાખોર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આગામી સમયમાં તપાસના આદેશ છૂટે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(5:50 PM IST)