News of Monday, 13th July 2026
ફુગાવાનો મોટો વિસ્ફોટ: મોંઘવારીના ડામથી સામાન્ય જનતા ત્રાહિમામ : RBIની ચિંતા વધી
સતત પાંચ મહિનાની શાંતિ પછી જૂન મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.38% ની સપાટી વટાવી ગયો : શાકભાજીથી લઈને ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

નવી દિલ્હી: દેશમાં મોંઘવારીનો બોમ્બ ફરી એકવાર ફૂટ્યો છે અને આ વખતે તેનો સીધો ફટકો સામાન્ય માણસના ખિસ્સા પર પડ્યો છે. સરકારે જાહેર કરેલા જૂન મહિનાના આંકડા ખૂબ જ ચોંકાવનારા અને નિરાશાજનક છે. છેલ્લા પાંચ મહિનાથી કંટ્રોલમાં રહેલી મોંઘવારીએ જૂનમાં એવો ઉછાળો માર્યો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની 4% ની નિર્ધારિત લક્ષ્યાંક રેખા પણ પાર થઈ ગઈ છે. મે મહિનામાં જે ફુગાવો 3.93% હતો, તે જૂન મહિનામાં સીધો 0.45% વધીને 4.38% પર પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં 2.74% ની રાહતજનક સપાટી પર રહેલો ફુગાવો હવે સતત છઠ્ઠા મહિને વધીને ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે.
આ આંચકા પાછળનું સૌથી મોટું કારણ રસોડાનું બજેટ બગાડતો ખાદ્ય ફુગાવો છે. જૂન મહિનામાં ખાદ્ય ફુગાવો વધીને 5.32% થઈ ગયો છે, જે મે મહિનામાં 4.78% હતો. એટલે કે શાકભાજી, દાળ, તેલ અને અન્ય ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવામાં લોકોના પસીના છૂટી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે મોંઘવારીનો માર માત્ર શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ તેની ભયંકર અસર જોવા મળી છે. ગામડાઓમાં ખાદ્ય ફુગાવો 5.45% એ પહોંચ્યો છે, જ્યારે શહેરોમાં તે 5.09% નોંધાયો છે, જે દર્શાવે છે કે ગ્રામીણ અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે.
સરકારી ડેટાના ઊંડા વિશ્લેષણ પર નજર કરીએ તો, એકંદરે ગ્રામીણ ફુગાવો મે મહિનાના 4.25% થી વધીને જૂનમાં 4.74% થઈ ગયો છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં એકંદરે ફુગાવો 3.53% થી વધીને 3.92% થયો છે. આરબીઆઈ માટે પણ હવે આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવો મુશ્કેલ બનશે, કારણ કે તેમનો 4% નો મધ્યમ ગાળાનો લક્ષ્યાંક તૂટી ગયો છે. જો મોંઘવારીનો આ ગ્રાફ આમ જ ઉપર જતો રહેશે, તો સામાન્ય જનતા માટે આગામી દિવસો વધુ કપરા સાબિત થઈ શકે છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
