તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Friday, 6th November 2026
એર ઈન્ડિયાના મુસાફરો માટે મોટા સમાચાર: અમેરિકા જતી ફ્લાઈટ્સ માટે ઈરાકના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ શરૂ થતા મુસાફરીના સમયમાં ચાર કલાકનો ધરખમ ઘટાડો
લાંબા માર્ગોને કારણે રોમમાં રોકાણ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળતા હવે માત્ર ૧૬ કલાકમાં પહોંચાશે ન્યૂ યોર્ક અને નેવાર્ક, એરલાઈનને ઈંધણમાં મળશે આશરે ૧૦ ટકાની બચત

નવી દિલ્હી : પશ્ચિમ એશિયાના સંકટ અને વિવિધ હવાઈ પ્રતિબંધો વચ્ચે એર ઈન્ડિયા દ્વારા અમેરિકાના પ્રવાસીઓ માટે એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત એરલાઈને હવે ન્યૂ યોર્ક અને નેવાર્કની સીધી ફ્લાઈટ્સ માટે ઈરાકના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
અગાઉ પાકિસ્તાન દ્વારા હવાઈ ક્ષેત્ર બંધ કરવાને કારણે અને પશ્ચિમ એશિયાની અશાંતિને લીધે એર ઈન્ડિયાના વિમાનોએ જોર્ડન અને ઈજીપ્ત થઈને જતો લાંબો ફેરો મારવો પડતો હતો, તેમજ રોમ (ઈટાલી) ખાતે ટેક્નિકલ સ્ટોપઓવર લેવો પડતો હતો, જેના કારણે મુસાફરીનો કુલ સમય વધીને આશરે ૨૦ કલાક જેટલો થતો હતો.
હવે ઈરાકના હવાઈ ક્ષેત્રની સુગમતા મળવાથી આ સીધી ફ્લાઈટ્સનો ઉડાન સમય ચાર કલાક ઘટીને સીધો ૧૬ કલાક આસપાસ થઈ ગયો છે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચવાની સાથે સાથે એરલાઈનને ઈંધણના વપરાશમાં પણ આશરે ૧૦ ટકા જેટલો મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે.
આ સુધારેલા રૂટને કારણે ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ (FDTL) ના નિયમો હેઠળ લાંબા અંતરની ઉડાનોમાં ક્રૂ મેમ્બર્સ પર રહેતો વધારાનો કાર્યભાર અને તણાવ પણ નોંધપાત્ર રીતે ઘટશે, તેમજ વધારાના ક્રૂની જરૂરિયાતમાં પણ એરલાઈનને મોટી રાહત મળશે.
ટાટા ગ્રુપની માલિકીની આ અગ્રણી એરલાઈન હાલમાં દિલ્હી અને મુંબઈથી ન્યૂ યોર્ક તથા નેવાર્ક માટે બોઈંગ ૭૭૭ અને એ૩૫૦ જેવા અદ્યતન વિમાનો દ્વારા દૈનિક ધોરણે ફ્લાઈટ્સનું સફળ સંચાલન કરી રહી છે, અને આ નવો ટૂંકો હવાઈ માર્ગ એવિએશન સેક્ટર માટે એક મોટી સાનુકૂળતા સાબિત થઈ રહ્યો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
