<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર: કાંગારુ દેશે જાહેર કરી નવી વિઝા પોલિસી, ૧.૮૫ લાખ લોકોને મળશે પરમેનન્ટ રેસિડન્સી (PR) પણ ઓનશોર અરજદારોને ફર્સ્ટ પ્રાયોરિટી

ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડને પછાડીને ભારતીયો બન્યા સૌથી મોટો વિદેશી સમુદાય; એમ્પ્લોયર-સ્પોન્સર્ડ વિઝામાં બમ્પર વધારો, જ્યારે ૨૦૨૯ સુધી નવી પ્રોપર્ટી ખરીદવા પર મુકાયો કામચલાઉ પ્રતિબંધ!

કેનબેરા, તા.૧૮: વિદેશમાં સ્થાયી થવા માંગતા કુશળ વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા હંમેશાથી પહેલી પસંદ રહ્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ ના નાણાકીય વર્ષ માટે ઓસ્ટ્રેલિયન સરકારે તેની નવી અને અત્યંત મહત્વકાંક્ષી સ્થળાંતર નીતિ (Migration Policy) ની જાહેરાત કરી દીધી છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે પણ ૧.૮૫ લાખ (૧,૮૫,૦૦૦) લોકોને કાયમી રહેઠાણ (PR) આપવાનો ટાર્ગેટ જાળવી રાખ્યો છે. જોકે, આ નવી નીતિમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓનશોર (દેશની અંદર જ) રહીને અરજી કરનારા કુશળ કામદારોને વિશેષ પ્રાધાન્ય આપવાની જાહેરાત કરાતાં સમીકરણો બદલાયા છે.

હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ઘરની અછત અને માળખાગત સુવિધાઓ પર વધી રહેલા દબાણને કારણે ઇમિગ્રેશનનો મુદ્દો ત્યાં રાજકીય રીતે ઘણો ગરમાયેલો છે, જેના ભાગરૂપે સરકારે આ સંતુલિત આયોજન કર્યું છે.

કુશળ સ્થળાંતર કરનારાઓ માટે તિજોરી ખૂલી: ૭૧% સ્લોટ્સ અનામત

નવા બજેટ આયોજન પ્રમાણે, કુલ ૧.૮૫ લાખ સ્થાનોમાંથી લગભગ ૭૧% ઇન્ટેક, એટલે કે ૧,૩૨,૨૪૦ સ્લોટ્સ માત્ર 'સ્કિલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામ' (કુશળ સ્થળાંતર) માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે ૫૨,૪૬૦ સ્થાનો ફેમિલી પ્રોગ્રામ હેઠળ અને બાકીના ૩૦૦ સ્થાનો સ્પેશિયલ એલિજિબિલિટી વિઝા માટે અનામત રાખવામાં આવ્યા છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રહીને વિઝા કન્વર્ટ કરાવવા માંગતા લોકો માટે ૧,૨૯,૫૯૦ સ્થાનો અનામત રખાયા છે. જ્યારે બાકીના ઓફશોર (વિદેશથી અરજી કરનારા) સ્લોટ્સ માત્ર એવા લોકો માટે જ હશે જેઓ ઓસ્ટ્રેલિયાની લાંબા ગાળાની શ્રમની અછત (Labor Shortage) ને પુરી કરી શકે તેવા અત્યંત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા હોય.

નોકરીદાતા-પ્રાયોજિત (Employer-Sponsored) વિઝામાં તોતિંગ વધારો

ઓસ્ટ્રેલિયાની કંપનીઓ અને નોકરીદાતાઓ માટે સરકારે વિઝા ક્વોટામાં મોટો વધારો કર્યો છે. એમ્પ્લોયર-સ્પોન્સર્ડ કાયમી વિઝાની સંખ્યા ૪૪,૦૦૦ થી વધારીને સીધી ૫૮,૦૪૦ કરી દેવામાં આવી છે. આ પગલાથી ત્યાં કામચલાઉ વિઝા પર કામ કરતા આઇટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેરના કર્મચારીઓ ખૂબ જ ઝડપથી PR (કાયમી નિવાસસ્થાન) મેળવી શકશે. આ ઉપરાંત, કુશળ સ્વતંત્ર વિઝા (Skilled Independent Visa) ની શ્રેણી પણ ૧૬,૯૦૦ થી વધારીને ૨૧,૦૯0 કરવામાં આવી છે. જોકે, સ્ટેટ અને પ્રદેશ નામાંકિત વિઝા ૩૫,૫00 કરાયા છે, જ્યારે રીજનલ વિઝાની ફાળવણી ૩૩,૦૦૦ થી ઘટાડીને ૧૪,૧૧૦ કરી દેવાઈ છે.

ઓસ્ટ્રેલિયામાં 'નંબર વન' બન્યા ભારતીયો, પરંતુ મિલકત ખરીદવા પર બ્રેક!

નવીનતમ પોલિસી એવા સમયે આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે એક ઐતિહાસિક ખુલાસો કર્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીયો ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો વિદેશમાં જન્મેલો સ્થળાંતર સમુદાય બની ગયો છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં ૯.૭૧ લાખ ભારતીયો વસે છે, જે ઇંગ્લેન્ડના ૯.૭0 લાખ લોકોને પછાડીને પ્રથમ ક્રમે આવી ગયા છે. ચીન ૭.૩૨ લાખ લોકો સાથે ત્રીજા સ્થાને છે.

જોકે, અસ્થાયી વિઝા પર રહેતા અથવા હજુ સુધી પીઆર (PR) ન મેળવનારા ભારતીયો માટે એક માઠા સમાચાર પણ છે. ઓસ્ટ્રેલિયામાં ઘરના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે કાયમી રહેઠાણ વિનાના ઇમિગ્રન્ટ્સ પર જૂન ૨૦૨૯ સુધી રહેણાંક મિલકતો (Residential Properties) ખરીદવા પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે.

રોકાણ અને પોઇન્ટ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર

ઓસ્ટ્રેલિયા સરકાર યુવાન, ઉચ્ચ શિક્ષિત અને વધુ પ્રતિભાશાળી યુવાનોને આકર્ષવા માટે પોતાની જૂની 'પોઇન્ટ સિસ્ટમ' માં મોટા ફેરફારો કરી રહી છે. આ ઉપરાંત:

  • વિદેશી લાયકાતની ઝડપી માન્યતા: ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર જેવા વ્યવસાયો માટે વિદેશી ડિગ્રી કે લાયકાતની ચકાસણી ઝડપી બનાવવા સરકાર ૮૫.૨ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) નું રોકાણ કરશે, જેથી કામ શરૂ કરવાનો સમય ૬ મહિના જેટલો ઘટી જશે.
  • વિદ્યાર્થી વિઝા પર આકરી નજર: ઇમિગ્રેશન સિસ્ટમની શુદ્ધતા જાળવવા માટે વધુ ૧૬૭.૪ મિલિયન AUD ફાળવવામાં આવ્યા છે, જેનાથી નકલી વિદ્યાર્થી વિઝા અને ફ્રોડ એપ્લિકેશન પર કડક નજર રખાશે.
  • વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામ: ભારત જેવા ઉચ્ચ માંગ ધરાવતા દેશો માટે હવે પોલિંગ (મતદાન-આધારિત) સિસ્ટમ દ્વારા જ પસંદગી કરવામાં આવશે.

એકંદરે, ઓસ્ટ્રેલિયાનું નવું બજેટ અને વિઝા પોલિસી સ્પષ્ટ સંકેત આપે છે કે હેલ્થકેર, એન્જિનિયરિંગ, ICT (આઇટી), બાંધકામ અને શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે ઓસ્ટ્રેલિયાના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે, પણ સરકારી પ્રક્રિયાઓ અને વેરિફિકેશન પહેલા કરતાં વધુ કડક બનશે.

(3:47 PM IST)