News of Thursday, 25th June 2026
ગલ્ફ દેશોમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: સાઉદી અરેબિયાએ વિદેશીઓ માટે ખોલ્યા દરવાજા, મિલકત ખરીદવા લોન્ચ કર્યું ખાસ ઓનલાઈન પોર્ટલ
જાન્યુઆરી 2026 ના નવા રિયલ એસ્ટેટ કાયદા હેઠળ 'સાઉદી પ્રોપર્ટીઝ' પ્લેટફોર્મ શરૂ; રહેવાસીઓ અને ગ્લોબલ કંપનીઓ ડિજિટલ આઈડી દ્વારા ઘરે બેઠા કરી શકશે અરજી, મક્કા-મદીના માટે રહેશે ખાસ નિયમો

રિયાધ : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને પોતાની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સાઉદી અરેબિયાએ એક મોટું અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. સાઉદી સરકારે વિદેશી રોકાણકારો, રહેવાસીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે દેશમાં પ્રોપર્ટી (રિયલ એસ્ટેટ) ખરીદવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવતા "સાઉદી પ્રોપર્ટીઝ" નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ નવું ડિજિટલ કદમ જાન્યુઆરી 2026 માં અમલમાં આવેલા નવા 'વિદેશી રિયલ એસ્ટેટ માલિકી કાયદા' (Foreign Real Estate Ownership Law) ને આધારે ઉઠાવવામાં આવ્યું છે.
ઘરે બેઠા ઓનલાઈન થશે બધી પ્રોસેસ
નવી સિસ્ટમ હેઠળ સમગ્ર પ્રક્રિયાને ૧૦૦ ટકા ડિજિટાઇઝ કરી દેવામાં આવી છે. સાઉદી અરેબિયામાં રહેતા વિદેશી નાગરિકો હવે તેમના સત્તાવાર રહેઠાણ નંબર (Residence Number) નો ઉપયોગ કરીને સીધા આ પોર્ટલ પર મિલકત ખરીદવા માટે અરજી કરી શકશે. તેમની પાત્રતાની ચકાસણી અને જરૂરી વહીવટી મંજૂરીઓ પણ ઓનલાઈન જ પૂરી કરવામાં આવશે. આનાથી રોકાણકારોના સમયની મોટી બચત થશે અને વચેટિયાઓથી મુક્તિ મળશે.
દેશ બહારની કંપનીઓ અને રોકાણકારો માટે શું છે નિયમ?
જો કોઈ રોકાણકાર સાઉદી અરેબિયાની બહાર રહેતો હોય, તો તેણે અરજી કરતા પહેલાં વિદેશમાં આવેલા સાઉદી એમ્બેસી કે મિશન દ્વારા 'સાઉદી ડિજિટલ આઈડી' (Digital Identity) મેળવવી પડશે. બીજી તરફ, સાઉદીમાં ઓફિસ ન ધરાવતી વિદેશી કંપનીઓએ પ્રોપર્ટી ખરીદતાં પહેલાં 'ઇન્વેસ્ટ સાઉદી' (Invest Saudi) પ્લેટફોર્મ દ્વારા ત્યાંના રોકાણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન કરાવીને 'નેશનલ યુનિફાઇડ નંબર' મેળવવો ફરજિયાત રહેશે.
મક્કા અને મદીના માટે કડક પ્રતિબંધો યથાવત
સાઉદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સ્તરે પ્રોપર્ટી બજાર ખોલવા છતાં, ઇસ્લામના બે સૌથી પવિત્ર શહેરો– મક્કા અને મદીના માટેના નિયમો અગાઉની જેમ જ કડક રહેશે. આ બંને પવિત્ર શહેરોમાં મિલકતની માલિકી માત્ર સાઉદી અરેબિયાની સ્થાનિક કંપનીઓ અને મુસ્લિમ વ્યક્તિઓ (ભલે તે દેશની અંદર રહેતા હોય કે બહાર) પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે.
પારદર્શિતા વધશે અને રિયલ એસ્ટેટ ચમકશે
સાઉદી અરેબિયાની રિયલ એસ્ટેટ જનરલ ઓથોરિટી (REGA) ના જણાવ્યા અનુસાર, આ પોર્ટલનો મુખ્ય હેતુ પ્રોપર્ટી સેક્ટરમાં પારદર્શિતા લાવવા, સરકારી દેખરેખ મજબૂત કરવા અને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. સાઉદીના વિઝન હેઠળ આ પહેલ વ્યવસ્થિત શહેરી વિકાસને વેગ આપશે અને વૈશ્વિક બિઝનેસ જગતમાં દેશની શાખ મજબૂત કરશે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
