News of Monday, 22nd June 2026
બિહારમાં કુદરતી આફતોનો ભોગ બનેલા ધરતીપુત્રો માટે રાહતના મોટા સમાચાર: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ૩.૯૬ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹૨૦૦ કરોડથી વધારેની સબસિડી સીધી ટ્રાન્સફર કરી
કમોસમી વરસાદ, કરા અને વીજળી પડવાના કારણે રવિ પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન વેઠનારા ૧૩ જિલ્લાના પીડિત ખેડૂતોને એગ્રિકલ્ચર ઇનપુટ સબસિડી યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

પટના:બિહારના કૃષિ ક્ષેત્ર અને કુદરતી આફતોનો સામનો કરી રહેલા અન્નદાતાઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા બિહારના લાખો ખેડૂતોને મોટી આર્થિક રાહત આપતા એક વિશેષ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ સહાય તે તમામ ધરતીપુત્રોને આપવામાં આવી છે જેમના ઊભા પાકને ચાલુ વર્ષના માર્ચ મહિનામાં વરસેલા કમોસમી વરસાદ, ભયંકર વાવાઝોડું, કરા અને આકાશી વીજળીના પ્રકોપના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું.
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬ ની રવિ સિઝન દરમિયાન માર્ચ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો હતો. આ કુદરતી આપત્તિમાં જે ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુનું નુકસાન થયું હતું, તેવા રાજ્યના અંદાજે ૩.૯૬ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની ઓળખ કરીને સરકારે આ આર્થિક સહાય પૂરી પાડી છે.
રાજ્યના પાટનગર પટના ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રિમોટનું બટન દબાવીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી અત્યંત પારદર્શક રીતે આ રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં મોકલી આપી હતી. આ યોજના અંતર્ગત બિહારના સહરસા, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, મધેપુરા, અરરિયા, બેગુસરાય, પૂર્ણિયા, દરભંગા, કિશનગંજ, ખગડિયા અને મધુબની સહિત કુલ ૧૩ અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં પાક નુકસાનીનો આંકડો ૩૩ ટકાથી વધારે નોંધાયો હતો.
આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ (હવામાન પરિવર્તન) ના કારણે અત્યારે વૈશ્વિક સ્તરે તેમજ આપણા રાજ્યમાં પણ કુદરતી આફતોનું પ્રમાણ અને તેની તીવ્રતા સતત વધી રહ્યા છે. આ અનિયમિત હવામાનને કારણે સૌથી મોટો અને સીધો ફટકો આપણા મેનતકશ ધરતીપુત્રોને સહન કરવો પડે છે, જેના લીધે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પોતાના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને આપત્તિના મારથી પીડાતા પ્રત્યેક નાગરિક અને ખેડૂત સુધી મદદ પહોંચાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની 'એગ્રિકલ્ચર ઇનપુટ સબસિડી સ્કીમ' (કૃષિ ઇનપુટ સબસિડી યોજના) એ માત્ર એક સામાન્ય નાણાકીય સહાય પૂરી પાડવાનો કાર્યક્રમ નથી, પરંતુ આ આફતના સમયે ખેડૂતો આર્થિક કે માનસિક રીતે ભાંગી ન પડે અને તેમનામાં ફરીથી બેઠા થવાનો આત્મવિશ્વાસ તેમજ ખેતી પ્રત્યે સ્થિરતા જળવાઈ રહે તે માટેનો સરકારનો એક મજબૂત પ્રયાસ છે. આપત્તિના સમયમાં રાજ્ય સરકાર સદા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
