તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ડાયાબિટીસના દર્દીઓ માટે ક્રાંતિકારી અને રાહતના મોટા સમાચાર : ભારતમાં લોન્ચ થઈ વિશ્વની પ્રથમ 'વન્સ-વીકલી' ઇન્સ્યુલિન : હવે રોજની ઝંઝટમાંથી મુક્તિ મેળવી વર્ષમાં ૩૬૫ ના બદલે માત્ર 52 જ ઇન્જેક્શન લેવા પડશે
ડેનિશ દવા ઉત્પાદક કંપની નોવો નોર્ડિશે 'Awiqli' ઇન્સ્યુલિન ભારતીય બજારમાં મૂક્યું : રોજિંદા ઇન્જેક્શનના ડરથી સારવાર ટાળતા ટાઇપ-૧ અને ટાઇપ-૨ ના કરોડો દર્દીઓ માટે આશીર્વાદરૂપ : એક સપ્તાહનો ખર્ચ અંદાજે રૂ. ૨૬૧ થી ૨૬૩ જેટલો સામાન્ય રહેશે અને હાઈપોગ્લાયસેમિયાનું જોખમ પણ ઘટશે

નવી દિલ્હી: ભારતમાં ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતા કરોડો દર્દીઓ માટે તબીબી ક્ષેત્રે એક અત્યંત મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની અગ્રણી દવા ઉત્પાદક કંપની નોવો નોર્ડિશ દ્વારા ભારતીય બજારમાં વિશ્વનું સૌપ્રથમ 'વન્સ-વીકલી' (અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું) બેઝલ ઇન્સ્યુલિન 'Awiqli' (ઇન્સ્યુલિન આઇકોડેક) લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ક્રાંતિકારી સોલ્યુશનના કારણે ડાયાબિટીસના દર્દીઓએ હવે દરરોજ ઇન્જેક્શન લેવાની પીડામાંથી મુક્તિ મળશે અને વર્ષ દરમિયાન લેવા પડતા ૩૬૫ ઇન્જેક્શનની સંખ્યા ઘટીને માત્ર ૫૨ થઈ જશે. આ થેરાપી મેળવનાર ભારત વૈશ્વિક સ્તરે છઠ્ઠો દેશ બન્યો છે. આ ઇન્જેક્શનનું ઉત્પાદન ડેનમાર્કમાં થશે અને ત્યાંથી ભારતમાં આયાત કરવામાં આવશે.
કિંમત અને આર્થિક વ્યૂહરચના: સામાન્ય નાગરિકો માટે પરવડે તેવું બજેટ:
નોવો નોર્ડિશ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય બજાર માટે પરવડે તેવી કિંમત રાખવી એ કંપનીની મુખ્ય વ્યૂહરચના રહી છે. અગાઉ સેમાગ્લુટાઇડના પ્રાઇસિંગના અનુભવના આધારે આ ઇન્સ્યુલિનની કિંમત પણ હાલના એનાલોગ કરતાં ઘણી ઓછી અને પોસાય તેવી રાખવામાં આવી છે.
બજારમાં ઉપલબ્ધ કિંમતો અનુસાર:
૧ એમએલ (1 ml) ફ્લેક્સટચ પેન: જેમાં ૭૦૦ યુનિટ ઇન્સ્યુલિન આવે છે, તેની કિંમત રૂ. ૨,૬૧૧ નક્કી કરાઈ છે.
૩ એમએલ (3 ml) ફ્લેક્સટચ પેન: જેમાં ૨,૧૦૦ યુનિટ ઇન્સ્યુલિન આવે છે, તેની કિંમત રૂ. ૭,૮૮૩ રાખવામાં આવી છે.
જો કોઈ દર્દીને અઠવાડિયાનો સરેરાશ ૭૦ યુનિટનો ડોઝ ગણવામાં આવે, તો દર્દીને અઠવાડિયે માત્ર રૂ. ૨૬૧ થી ૨૬૩ ની આસપાસનો જ ખર્ચ થશે. કંપની આ પ્રોડક્ટને દેશભરમાં વ્યાપક સ્તરે પહોંચાડવા માટે એબોટ (Abbott) કંપની સાથે ભાગીદારી કરી રહી છે, જેથી કરીને મોટા પ્રમાણમાં વોલ્યુમ ગેમ રમી શકાય અને દર્દીઓ સુધી સરળતાથી દવા પહોંચાડી શકાય.
વૈજ્ઞાનિક અભ્યાસ અને ટ્રાયલના પરિણામો - વધુ સુરક્ષિત અને અસરકારક:
નવી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. એસ.કે. વાંગ્નુએ આ નવી દવા પાછળનું વિજ્ઞાન સમજાવતા કહ્યું હતું કે, આ ઇન્સ્યુલિન સામાન્ય ઇન્સ્યુલિન કરતાં ઘણું વધારે હાઇ-કોન્સન્ટ્રેટેડ (૭૦૦ યુનિટ પ્રતિ એમએલ) છે. દર્દી જ્યારે આખા અઠવાડિયાનો ૭૦ યુનિટનો ડોઝ એકસાથે લે છે, ત્યારે નાની માત્રામાં ઇન્જેક્ટ થયેલું આ ઇન્સ્યુલિન શરીરમાં ખૂબ જ ધીમે-ધીમે અને સ્થિર રીતે સાત દિવસ સુધી શોષાય છે. આનાથી બ્લડ શુગરનું સ્તર અઠવાડિયા દરમિયાન સમાન રીતે નિયંત્રિત રહે છે અને શુગર અચાનક ઘટી જવાની (હાઈપોગ્લાયસેમિયા) ઘાતક સમસ્યા થતી નથી. ડોક્ટરો પણ હવે દર ત્રીજા દિવસે ડોઝ બદલવાના બદલે દર અઠવાડિયે કે પખવાડિયે તેની સમીક્ષા કરી શકશે.
ONWARDS-1 ક્લિનિકલ ટ્રાયલના ડેટા દર્શાવે છે કે આ નવી દવા ૧૮ વર્ષથી વધુ ઉંમરના ટાઇપ-૧ અને ટાઇપ-૨ બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ માટે મંજૂર કરાઈ છે. તે રોજિંદા ઇન્સ્યુલિન ગ્લાર્ગિન U100 ની સરખામણીએ HbA1c (એવરેજ બ્લડ શુગર) ઘટાડવામાં અને શુગરને નિયંત્રિત રેન્જમાં રાખવામાં વધુ શ્રેષ્ઠ અને સુરક્ષિત સાબિત થઈ છે.
ભારતમાં ડાયાબિટીસની બિહામણી સ્થિતિ અને ટ્રીટમેન્ટ ગેપ:
ભારતમાં હાલમાં ડાયાબિટીસનો બોજ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં ૧૦.૧ કરોડથી વધુ લોકો ડાયાબિટીસ સાથે અને ૧૩.૬ કરોડ લોકો પ્રી-ડાયાબિટીસની સ્થિતિમાં જીવી રહ્યા છે. આ ઉપરાંત, ૯ લાખથી વધુ લોકો ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત છે, જેમના માટે ઇન્સ્યુલિન અનિવાર્ય છે. ટાઇપ-૨ ના પણ અંદાજે ૧૦ ટકા દર્દીઓને આગળ જતાં ઇન્સ્યુલિનની જરૂર પડે છે. આમ છતાં, ભારતમાં માત્ર ૬૦ થી ૭૦ લાખ લોકો જ ઇન્સ્યુલિન લે છે. રોજિંદા ઇન્જેક્શનના ડર અને વારંવાર બ્લડ શુગર મોનિટરિંગની કંટાળાજનક પ્રક્રિયાને કારણે ભારતમાં દર્દીઓ ઇન્સ્યુલિન લેવાની શરૂઆત સરેરાશ ૭ થી ૯ વર્ષ જેટલી મોડી કરે છે.
તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6) અને આઈસીએમઆર (ICMR) ના ૨૦૨૨ ના અહેવાલો મુજબ, દેશમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં હાઈ બ્લડ શુગરનું પ્રમાણ ઝડપથી વધ્યું છે અને માત્ર ત્રણમાંથી એક જ વ્યક્તિનું ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. આ પરિસ્થિતિમાં અઠવાડિયે એક જ વાર લેવાનું આ ઇન્જેક્શન દર્દીઓની શારીરિક અને માનસિક ચિંતાઓ દૂર કરીને સમયસર સારવાર શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
GLP-1 કેટેગરીમાં પણ કંપની મજબૂત સ્થાને:
વિક્રાંત શ્રોત્રિયે ઉમેર્યું કે, ભારતમાં હાલમાં GLP-1 દવાઓની કેટેગરીમાં ભારે સ્પર્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં જ્યાં ૧૫ થી ૨૦ ટકા મેદસ્વી વસ્તી આ દવાઓનો ઉપયોગ કરે છે, તેની સરખામણીએ ભારતમાં હજુ ૦.૫ ટકાથી પણ ઓછો વપરાશ છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વૃદ્ધિની મોટી તકો છે. સેમાગ્લુટાઇડની પેટન્ટ એક્સક્લુઝિવિટી સમાપ્ત થઈ હોવા છતાં કંપની પોતાની ગુણવત્તા અને વિશ્વસનીયતાના જોરે બજારમાં મજબૂત પકડ ધરાવે છે. આગામી સમયમાં ઓરલ વેગોવી પિલ, કાગ્રીસેમા, ઝેનાગામ્ટાઇડ અને વન્સ-વીકલી ગ્રોથ હોર્મોન જેવી નવીનતમ પ્રોડક્ટ્સ પણ પાઇપલાઇનમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
