<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ન્યુઝીલેન્ડ જવા માંગતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે મોટા સમાચાર: વિઝા અરજી વખતે પોલીસ સર્ટિફિકેટ નહીં હોય તો સીધી જ થશે રિજેક્ટ!

ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) નો કડક નિર્ણય: ગુમ થયેલા દસ્તાવેજો માટે હવે કોઈ સમય નહીં અપાય, માત્ર રસીદ બતાવવાથી વિઝા નહીં મળે

વેલિંગ્ટન, તા.૦૧: જો તમે ન્યુઝીલેન્ડ જઈને અભ્યાસ કરવાનું કે ત્યાં કામચલાઉ (ટેમ્પરરી) વિઝા પર રહેવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ન્યુઝીલેન્ડ સરકારે વિઝા પ્રક્રિયાના નિયમોમાં મોટો ફેરફાર કરતા પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) ફરજિયાત કરી દીધું છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અરજી કરતી વખતે અસલી પોલીસ સર્ટિફિકેટ અપલોડ કરવામાં નહીં આવે, તો વિઝા અરજી કોઈપણ જાતની પૂછપરછ વગર સીધી જ નકારી (રિજેક્ટ) દેવામાં આવશે.
રસીદ કે પુરાવા હવે નહીં ચાલે, કડક નિયમો લાગુ
અત્યાર સુધી ઘણા અરજદારો પોલીસ સર્ટિફિકેટ માટે અરજી કર્યાની રસીદ કે પુરાવા જોડી દેતા હતા અને અસલી દસ્તાવેજ પછીથી સબમિટ કરતા હતા. પરંતુ હવે નવો નિયમ લાગુ થઈ ગયો છે. ઇમિગ્રેશન વિભાગે સાફ કર્યું છે કે આવી કોઈ પણ રસીદ માન્ય રાખવામાં આવશે નહીં. એજન્સીએ જણાવ્યું કે, "અમે સામાન્ય રીતે ગુમ થયેલા દસ્તાવેજો મંગાવવા માટે અરજદારોનો સંપર્ક કરવાના નથી. જે દસ્તાવેજો ફાઇલ સબમિટ કરતી વખતે હાજર હશે, તેના આધારે જ તાત્કાલિક નિર્ણય લેવાશે." જો કે, આ નિયમમાં ફીજી, હોંગકોંગ અને ઇઝરાયલના નાગરિકોને અપવાદ તરીકે છૂટ અપાઈ છે, કારણ કે ત્યાંની પોલીસ સીધા ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશનને દસ્તાવેજ મોકલે છે.
૨૪ મહિનાથી વધુ રોકાણ કરનારાઓ પર સીધી તલવાર
નવા નિયમો મુજબ, ન્યુઝીલેન્ડની બહારથી અરજી કરનારા અને દેશમાં ૨૪ મહિના (૨ વર્ષ) થી વધુ સમય સુધી રહેવાનો ઈરાદો ધરાવતા લોકો માટે આ સર્ટિફિકેટ વરદાન સાબિત થશે. જો આ દસ્તાવેજ ગુમ હશે તો તેમની અરજીઓ સીધી નકારી દેવાશે. કેટલાક કિસ્સામાં પાત્રતા અધૂરી હોવાને કારણે ખૂબ જ ટૂંકા ગાળાના વિઝા મળી શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે વ્યક્તિએ ફરીથી આખી નવી વિઝા અરજી કરવી પડશે અને ફરીથી પૂરેપૂરી ફી ચૂકવવી પડશે.
ન્યુઝીલેન્ડમાં હાજર લોકોને ૫ દિવસની મહોલત
જે અરજદારો પહેલેથી જ ન્યુઝીલેન્ડમાં છે અને તેમને ત્યાં રહેતા હજુ ૨૪ મહિના પૂરા નથી થયા, તેમને થોડી રાહત આપવામાં આવી છે. ઇમિગ્રેશન વિભાગ તેમને ગુમ થયેલું પોલીસ પ્રમાણપત્ર રજૂ કરવા માટે માત્ર ૫ વર્કિંગ ડેઝ (કામકાજના દિવસો) નો સમય આપી શકે છે. જો તેઓ આ સમય મર્યાદા ચૂકશે, તો તેમને માત્ર ૨૪ મહિનાનો સમય પૂરો થાય ત્યાં સુધીના જ ટૂંકા ગાળાના વિઝા મળશે.
સમયસર અને વહેલી અરજી કરવાની સલાહ
દરેક દેશમાં પોલીસ વેરિફિકેશન અને સર્ટિફિકેટ ઇશ્યૂ થવાનો સમય અલગ-અલગ હોય છે. આથી, ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓ સહિત તમામ આંતરરાષ્ટ્રીય અરજદારોને ભારપૂર્વક સલાહ આપી છે કે, તેઓ પોતાની મુસાફરી કે અભ્યાસના પ્લાનમાં વિલંબ અટકાવવા માટે પોલીસ સર્ટિફિકેટ અગાઉથી જ મેળવી લે. હાથમાં અસલી પ્રમાણપત્ર આવ્યા પછી જ વિઝા ફાઇલ પ્રોસેસ કરવી હિતાવહ રહેશે.

(5:11 PM IST)