તા. ૧૭ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૨ મંગળવાર
News of Sunday, 24th May 2026
સામાન્ય જનતા માટે ટેક્સ બજારમાંથી મોટા સમાચાર: વર્ષ ૨૦૨૬ ના નવા આવકવેરા નિયમો હેઠળ હવે ટ્રેક્ટર ખરીદી અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં પાનની અનિવાર્યતા થઈ નાબૂદ
બચત ખાતામાં વાર્ષિક ૧૦ લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરાવવા પર કોઈ પાનકાર્ડ નહીં માંગે: પ્રોપર્ટી ખરીદ-વેચાણ સહિત વિદેશી ચલણના સોદાઓ માટે નાણા મંત્રાલયે જારી કરી નવી ગાઈડલાઈન

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા દેશની અર્થવ્યવસ્થા અને કર પ્રણાલીને વધુ સરળ તેમજ પારદર્શક બનાવવા માટે ‘નવા આવકવેરા કાયદા ૨૦૨૫’ અને ‘આવકવેરા નિયમો ૨૦૨૬’ (Income Tax Rules 2026) હેઠળ પાનકાર્ડ (PAN Card) ને લગતા અનેક પાયાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે, જેની સીધી અને સકારાત્મક અસર સામાન્ય નાગરિકોના રોજિંદા આર્થિક વ્યવહારો પર પડશે. નવા સત્તાવાર આદેશ અનુસાર, ટેક્સ વિભાગે વર્ષો જૂના ચાલી આવતા ‘ફોર્મ ૬૦’ ને કાયમી ધોરણ બંધ કરીને તેના સ્થાને તદ્દન નવું અને ડિજિટલ ફ્રેન્ડલી ‘ફોર્મ ૧૬’ ની તર્જ પર ‘ફોર્મ ૯૭’ સંપૂર્ણપણે લાગુ કરી દીધું છે. આ નવા નિયમોના અમલીકરણ બાદ હવે બહુવિધ પ્રકારના બેન્કિંગ અને વ્યાપારી વ્યવહારો માટે કાનૂની રીતે પાન નંબર આપવાની કડક અનિવાર્યતા કાં તો નાબૂદ કરવામાં આવી છે અથવા તો તેની લઘુત્તમ નાણાકીય મર્યાદાઓમાં બહુ મોટો વધારો કરીને કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે.
આવકવેરા વિભાગના નવા કાયદાકીય દાયરામાં હવે કેટલાક એવા હાઈ-વેલ્યુ વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની સીધી માહિતી હવે ક્રેડિટ એજન્સીઓ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સીધી ટેક્સ વિભાગને સબમિટ કરવાની રહેશે. આ અંતર્ગત જો કોઈ નાગરિક સ્ટેમ્પ પેપરની મોટી ખરીદી કરે છે તો તેની સંપૂર્ણ વિગતો ઓટોમેટીક રિપોર્ટ થશે; જેમાં પાનકાર્ડ ધરાવતા ગ્રાહકો માટે રૂ.૨ લાખ અને પાનકાર્ડ વગરના લોકો માટે રૂ.૧ લાખ સુધીની ખરીદીની મર્યાદા નક્કી કરાઈ છે. આ જ રીતે, લાઈફ અને જનરલ ઈન્સ્યોરન્સના વીમા પ્રીમિયમ તરીકે મળતી મેચ્યોરિટી રકમ પર પણ નવો રિપોર્ટિંગ નિયમ લાગુ પડશે, જેમાં પાનકાર્ડ હોય તો રૂ.૫ લાખ અને પાનકાર્ડ ન હોય તો રૂ.૨.૫ લાખ સુધીની મર્યાદામાં જ ટેક્સ સ્ક્રિનિંગ કરવામાં આવશે.
સૌથી મોટો અને મહત્વનો ફેરફાર રિયલ એસ્ટેટ એટલે કે અચલ સંપત્તિના ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે, જેમાં હવે સામાન્ય મિલકત ખરીદી-વેચાણ ઉપરાંત ગિફ્ટ ડીડ (બક્ષિસ દસ્તાવેજ) અને જૉઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (JDA) ને પણ પાનકાર્ડના દાયરામાં વણી લેવાયા છે. પ્રોપર્ટીના સોદાઓમાં પાનકાર્ડ ફરજિયાત હોવાની મર્યાદા રૂ.૩૦ લાખથી સીધી વધારીને રૂ.૪૫ લાખ કરવામાં આવી છે, જ્યારે બેંકના સેવિંગ એકાઉન્ટમાં વર્ષ દરમિયાન રોકડ જમા કરાવવાની મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારીને એકઝીક્યુટીવ સ્તરે રૂ.૧૦ રૂ.લાખ કરાઈ છે. આ ઉપરાંત, હવેથી નવા ડેબિટ કાર્ડ (ATM) મેળવવા માટેની અરજીમાં પાનકાર્ડ આપવું બિલકુલ ફરજિયાત રહ્યું નથી અને હોટેલ-રેસ્ટોરન્ટના કેશ પેમેન્ટની લિમિટ પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.૫૦ હજારથી વધારીને રૂ.૧ લાખ કરી દેવાઈ છે; જ્યારે ખેડૂતોને મોટી રાહત આપતા ટ્રેક્ટરની ખરીદીને આ તમામ કડક નિયમોમાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
