News of Wednesday, 25th November 2026
રેલવે મુસાફરો માટે મોટી રાહત: ગ્રુપ ટિકિટ બુકિંગમાં બર્થની મર્યાદા દૂર, નવા નિયમો થયા લાગુ
દક્ષિણ પશ્ચિમ રેલવેના નિર્ણયથી લગ્ન, પ્રવાસ અને યાત્રાળુઓના જૂથોને સીધો ફાયદો; ટ્રાવેલ એજન્ટો દ્વારા અરજી નહીં સ્વીકારાય, સવારે ૯ વાગ્યાથી પ્રક્રિયા

નવી દિલ્હી : લગ્ન પ્રસંગ, શાળા-કોલેજના શૈક્ષણિક પ્રવાસ, ધાર્મિક યાત્રાધામો કે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એકસાથે મોટી સંખ્યામાં ટ્રેન ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે દક્ષિણ પશ્ચિમ રેલવેએ ગ્રુપ અને બલ્ક ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે મુજબ હવે બર્થની સંખ્યા પર કોઈ નિશ્ચિત મર્યાદા રહેશે નહીં. વાણિજ્યિક પરિપત્ર (કોચિંગ) નંબર ૩૭/૨૦૨૬ અને રેટ એડવાઈસ નંબર ૧૧/૨૦૨૬ દ્વારા જારી કરાયેલી આ નવી માર્ગદર્શિકા મુજબ, અગાઉની તમામ સૂચનાઓને રદ કરીને વાસ્તવિક જૂથોની મુસાફરીને સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિયમોની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બલ્ક બુકિંગમાં સીટો અથવા બર્થની સંખ્યા પરના અગાઉના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. હવે મુખ્ય રિઝર્વેશન સુપરવાઇઝર અને સ્ટેશન મેનેજર કોઈપણ નિશ્ચિત બર્થ મર્યાદા વિના ગ્રુપ બુકિંગને મંજૂરી આપી શકશે, અને આ સુવિધા ટ્રેનના તમામ વર્ગોમાં ટિકિટ કન્ફર્મ, RAC કે વેઇટિંગ લિસ્ટમાં હોય તેવા તમામ કિસ્સાઓમાં લાગુ પડશે.
રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વિશેષ સુવિધા માત્ર સાચા અને સ્પષ્ટ હેતુ સાથે મુસાફરી કરતા જૂથોને જ ઉપલબ્ધ રહેશે. આ શ્રેણીમાં લગ્ન સમારોહમાં જતા પરિવારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, રમતગમતની ટીમો અને સાંસ્કૃતિક જૂથોનો સમાવેશ થાય છે, જેથી સામાન્ય મુસાફરોની જરૂરિયાત મુજબ એકસાથે મુસાફરીનું આયોજન સરળ બની શકે.
બુકિંગની પ્રક્રિયા અને સમય અંગેની માર્ગદર્શિકા મુજબ, ગ્રુપ બુકિંગ માટેની અરજીઓ મુખ્ય રેલવે રિઝર્વેશન કેન્દ્રો પર સવારે ૯ વાગ્યાથી સ્વીકારવામાં આવશે, જે સામાન્ય મુસાફરો માટે એડવાન્સ રિઝર્વેશન ખુલ્યાના એક કલાક પછીનો સમય છે. અરજદારો અથવા આયોજકોએ પોતાની અરજી સીધી અધિકૃત રેલવે અધિકારીઓને જ સુપરત કરવાની રહેશે, કારણ કે ટ્રાવેલ એજન્ટો મારફતે આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, જોકે વિદેશી પ્રવાસીઓ અને NRI મુસાફરો માટેની હાલની છૂટ યથાવત્ રાખવામાં આવી છે.
પારદર્શિતા જાળવવા માટે ગ્રુપ બુકિંગ અરજી સાથે મુસાફરીનો હેતુ સ્પષ્ટ જણાવવો ફરજિયાત છે, તેમજ તમામ મુસાફરોના પૂરા નામ, ઉંમર, લિંગ અને સરનામાની વિગતો આપવી જરૂરી રહેશે. આ ઉપરાંત જો કોઈ જૂથને પરત ફરવાની એટલે કે રીટર્ન મુસાફરી માટે ટિકિટ જોઈતી હોય, તો તે જ રિઝર્વેશન ઓફિસમાંથી મંજૂરી મળી શકશે, પરંતુ તેને અલગ બુકિંગ તરીકે ગણવામાં આવશે.
અગાઉના નિયમોમાં બર્થની મર્યાદા હોવાથી મોટા જૂથોને ટિકિટ બુકિંગમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને રેલવેએ આ સુધારો અમલમાં મૂક્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કડક ચકાસણી અને સીધી અરજીની પ્રક્રિયાથી સુનિશ્ચિત થશે કે માત્ર સાચા જૂથોને જ આ સુવિધાનો લાભ મળે અને કોઈ પણ તત્વો દ્વારા મોટી સંખ્યામાં સીટો બુક કરીને તેનો દુરુપયોગ ન થઈ શકે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
