News of Saturday, 28th November 2026
પાન મસાલા જાહેરાત વિવાદમાં સલમાન ખાનને મોટી રાહત: રાજસ્થાન હાઈકોર્ટે ગ્રાહક આયોગની કાર્યવાહી પર લગાવી રોક
રાજશ્રી પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાત મામલે જોધપુર ગ્રાહક આયોગમાં ચાલી રહેલી કાર્યવાહી પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે : જસ્ટિસ ડૉ. નુપુર ભાટીની બેન્ચે 26 નવેમ્બરે આદેશ આપી ફરિયાદીને નોટિસ પાઠવી

જોધપુર: રાજશ્રી પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાતને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જોધપુર સ્થિત રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનની અરજી પર સુનાવણી કરતા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સમક્ષ પેન્ડિંગ રહેલા કેસની આગળની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મંજૂર કર્યો છે. 26 નવેમ્બર, 2026 ના રોજ જસ્ટિસ ડૉ. નુપુર ભાટીની સિંગલ બેન્ચે આ આદેશ આપતા ફરિયાદ ક્રમાંક 416/2025 ('ગજેન્દ્ર કુમાર વિરુદ્ધ રાજશ્રી પાન મસાલા') ની આગામી સુનાવણી સુધીની તમામ પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. હાઈકોર્ટે આ મામલે સ્ટે અરજી પર નોટિસ જારી કરતા પ્રતિવાદી પક્ષકારોને જવાબ રજૂ કરવા જણાવ્યું છે, જોકે કેસના ગુણદોષ પર અંતિમ ચુકાદો હજુ બાકી છે.
સલમાન ખાને પોતાની અરજીમાં મહત્વપૂર્ણ કાનૂની દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે ભ્રામક જાહેરાતો સંબંધિત આરોપોની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર ગ્રાહક આયોગ પાસે નથી અને તેઓ માત્ર એક બ્રાન્ડ એમ્બેસેડર છે. અરજીમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમની સામે કોઈ વ્યક્તિગત માહિતી, સ્વતંત્ર કારણ કે બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો નથી, તેમ છતાં કમિશને પક્ષકારોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવાની વિનંતી ફગાવી દીધી હતી. વધુમાં, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કેસ ચલાવવાની કાયદેસરતા અને અધિકારક્ષેત્ર અંગેના પ્રારંભિક મુદ્દાનો નિર્ણય અંતિમ સુનાવણીમાં લેવાશે તેવું કમિશનનું વલણ પણ અરજીમાં પડકારવામાં આવ્યું હતું.
આ કાનૂની રાહત વચ્ચે સલમાન ખાન પોતાના આગામી ફિલ્મી પ્રોજેક્ટને લઈને પણ ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતો જોવા મળશે, અને બંનેની જોડીવાળી ફિલ્મ "માતૃભૂમિ" આગામી 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રસપ્રદ બાબત એ છે કે બોક્સ ઓફિસ પર "માતૃભૂમિ" ની ટક્કર શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ "ઈથા" સાથે થશે, જેના કારણે 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં દર્શકો વચ્ચે મોટી સ્પર્ધા જોવા મળશે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
