<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના વાર્ષિક અહેવાલમાં મોટો ખુલાસો: દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદોના ચિત્રમાં પલટો: ગૃહ મંત્રાલયમાં ફરિયાદો ઘટી પણ રેલવે અને બેંકો શિખરે!

જનસંપર્ક અને દૈનિક નાણાકીય વ્યવહારો ધરાવતા ક્ષેત્રોમાં સર્વાધિક ફરિયાદો: CVC સમક્ષ ૨૦૨૫માં નોંધાયેલી ૩૪,૧૫૩ નવી ફરિયાદોમાંથી ૩૫,૧૯૩નું નિરાકરણ: માત્ર ૨૪૮ કેસોમાં જ સીબીઆઈ/સીવીઓને તપાસ સોંપાઈ

નવી દિલ્હી :  કેન્દ્રીય તકેદારી આયોગ (CVC) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલોના આધારે દેશના સરકારી વિભાગો અને મંત્રાલયોમાં નોંધાતી ભ્રષ્ટાચારની ફરિયાદો અંગેના પાંચ વર્ષના આંકડાકીય વિશ્લેષણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. ૨૦૨૧માં ગૃહ મંત્રાલય સામે ૩૭,૬૭૦ અને ૨૦૨૨માં સર્વાધિક ૪૬,૬૪૩ ફરિયાદો નોંધાઈ હતી. જે તે સમયે રેલવે કરતાં લગભગ ૪.૪ ગણી વધારે હતી. જોકે, ૨૦૨૩થી આ આંકડાકીય ચિત્રમાં અચાનક મોટો તફાવત જોવા મળ્યો હતો, જ્યાં ગૃહ મંત્રાલય વિરૂદ્ધની ફરિયાદો ઘટીને ૨,૩૦૯, ૨૦૨૪માં ૧,૧૦૨ અને ૨૦૨૫માં ૨,૦૩૬ નોંધાઈ હતી. આ ઘટાડા પાછળ CVC દ્વારા ડેટા વર્ગીકરણ, રિપોર્ટિંગ પદ્ધતિ અને સંલગ્ન સંસ્થાઓના કવરેજમાં કરાયેલા ફેરફારો મુખ્ય કારણ છે. ૨૦૨૫ના ડેટામાં દિલ્હી પોલીસને ગૃહ મંત્રાલયથી અલગ દર્શાવવામાં આવી હતી, જેની સામે અલગથી ૨,૬૩૩ ફરિયાદો નોંધાઈ હતી.

બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકો અને રેલવે વિભાગમાં ફરિયાદોનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં રેલવે ૧૦,૪૪૭ અને બેંકો ૭,૦૦૪ ફરિયાદો સાથે આગળ હતા. ૨૦૨૫માં બેંકો સામે ૯,૯૩૩ અને રેલવે સામે ૯,૩૮૧ ફરિયાદો નોંધાઈ છે, જે બંને મળીને ૧૯,૩૧૪ થાય છે. CVC વિશ્લેષણ મુજબ, બેંકોમાં કરોડો ગ્રાહકોના ખાતા, લોન વસૂલાત, નાણાકીય વ્યવહારો અને રેલવેમાં ટિકિટિંગ, કરાર, માલ પરિવહન, બાંધકામ તથા ભરતી જેવા પ્રત્યક્ષ જનસંપર્ક વાળા કાર્યો હોવાથી અહીં ફરિયાદોનો અવકાશ અન્ય વિભાગો કરતાં ઘણો વ્યાપક રહે છે. ફરિયાદોની ઊંચી સંખ્યા એ માત્ર પ્રક્રિયાગત વ્યાપ દર્શાવે છે, તેને સીધેસીધું ભ્રષ્ટાચારનું પ્રમાણ માણી શકાય નહીં.

સીવીસી દ્વારા પ્રાપ્ત ફરિયાદોના નિકાલની પ્રક્રિયા અંગેના આંકડા મુજબ, ૨૦૨૫માં સંસ્થાઓના મુખ્ય તકેદારી અધિકારીઓ (CVO) મારફતે સીવીસીને ૭૦,૫૮૪ ફરિયાદો મળી હતી, જેમાંથી ૬૪,૯૦૫નો ઉકેલ લવાયો હતો. CVC સમક્ષ સીધી આવેલી ૩૪,૧૫૩ નવી અને જૂની પેન્ડિંગ મળી કુલ ૩૫,૪૧૩ ફરિયાદોમાંથી ૩૫,૧૯૩ ફરિયાદોનો નિરાકરણ કરવામાં આવ્યો હતો. આમાંથી ૧,૭૦૧ ફરિયાદો અનામી અથવા બોગસ નામે હતી, ૧૩,૧૮૧ ફરિયાદો અસ્પષ્ટ હતી અને ૨૦,૦૬૩ ફરિયાદો સીવીસીના ક્ષેત્રાધિકાર બહારની હોવાથી સંબંધિત વિભાગોને મોકલાઈ હતી. યોગ્ય અને ગંભીર જણાયેલી માત્ર ૨૪૮ ફરિયાદોને જ સીબીઆઈ અથવા સીવીઓ ને ઊંડાણપૂર્વકની તપાસ અર્થે સોંપવામાં આવી હતી.

(8:26 PM IST)