News of Friday, 19th June 2026
મોટો ખુલાસો: ભારત-બાંગ્લાદેશ સરહદેથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવતું વાર્ષિક અંદાજે ₹૯૦૦ કરોડનું સંગઠિત રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી મોટું નેટવર્ક ઝડપાયું
સરહદની બંને પાર સક્રિય એજન્ટો, ૧૦૦૦થી વધુ ગુપ્ત ‘ઘાટ’, ડિજિટલ પેમેન્ટ અને લાઈનમેનની મિલીભગતથી ચાલતી હતી આખી ગેરકાયદેસર વ્યવસ્થા: પશ્ચિમ બંગાળમાં રાજકીય સત્તાપરિવર્તન અને સઘન ચકાસણી (SIR) પ્રક્રિયા શરૂ થતાં કરોડો રૂપિયાનો આ કાળો કારોબાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો

કોલકાતા : ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સરહદ પારથી ગેરકાયદેસર રીતે લોકોને ભારતમાં પ્રવેશ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશાળ સંગઠિત નેટવર્ક સક્રિય હોવાનો પર્દાફાશ થયો છે. એક પૂર્વ વચેટિયા દ્વારા કરવામાં આવેલા સત્તાવાર દાવાઓ અને અહેવાલો અનુસાર, વર્ષોથી ભારતની સીમાઓમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા આ રેકેટનો વાર્ષિક કારોબાર આશરે ₹૮૦૦ કરોડથી ₹૯૦૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તારો સાથે સંકળાયેલા આ પૂર્વ વચેટિયાએ સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે આ નેટવર્કમાં સરહદની બંને બાજુ કાર્યરત અસામાજિક એજન્ટો, સ્થાનિક કનેક્શન્સ, ડિજિટલ પેમેન્ટ ઓપરેટર્સ અને ભારતમાં રહેવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરી આપતી ટોળકીઓ સીધી રીતે સામેલ હતી. જો કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં સત્તાપરિવર્તન થતાં નવી સરકારની કડક નીતિ અને નવેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલી મતદાર યાદીની વિશેષ સઘન ચકાસણી (SIR) પ્રક્રિયાના કારણે આ કરોડો રૂપિયાનો કાળો ધંધો હવે તદ્દન બંધ થવાની અણી પર આવી ગયો છે.
૧૦૦૦ જેટલા ગુપ્ત ‘ઘાટ’ અને લાઈનમેનનું જાળું
મળતી વિગતો મુજબ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ ચલાવવા માટે સરહદી નદીઓ અને કાચા રસ્તાઓ પર અંદાજે ૧૦૦૦ જેટલા ગુપ્ત ‘ઘાટ’ (બોર્ડર પોઈન્ટ્સ) ઊભા કરવામાં આવ્યા હતા. આ ઘાટો પરથી અંધારાનો લાભ લઈને અથવા સંજોગો જોઈને લોકોને ગેરકાયદેસર રીતે સીમા પાર કરાવવામાં આવતી હતી. આ પ્રક્રિયા માટે સ્પેશિયલ ‘લાઈનમેન’ રાખવામાં આવ્યા હતા. આ લાઈનમેન ભારતીય સરહદના ખેતરો, પંથકો અને ઝાડીઓ વચ્ચે છુપાઈને સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનોના પેટ્રોલિંગ સમય અને તેમની તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખતા હતા. સુરક્ષાદળોની નજર ઓછી હોય તેવા ચોક્કસ સમય અને સ્થળની સચોટ માહિતી તેઓ સરહદની પેલે પાર પહોંચાડતા હતા. માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સિગ્નલ મળતા જ ઘૂસણખોરોને ભારતીય સીમામાં ધકેલી દેવામાં આવતા હતા. ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રક્રિયા માત્ર રાતના અંધારા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તક મળતા જ ભરદિવસે પણ ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી.
ભારતીય-બાંગ્લાદેશી સિમ કાર્ડ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ
આ આંતરરાષ્ટ્રીય રેકેટના સંચાલકો સરહદની બંને બાજુથી નેટવર્ક કનેક્ટિવિટી જાળવવા માટે ભારતીય તેમજ બાંગ્લાદેશી એમ બંને દેશોના એક્ટિવ સિમ કાર્ડનો સરહદી વિસ્તારોમાં ઉપયોગ કરતા હતા. નાણાંની હેરાફેરી માટે મોટેભાગે ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ માધ્યમોનો આશરો લેવાતો હતો. જેમણે ભારતમાં ઘૂસણખોરી કરવી હોય તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ એક ચોક્કસ મોટી રકમ વસૂલવામાં આવતી હતી. આ વસૂલાયેલી રકમનો હિસ્સો સ્થાનિક કનેક્શનથી લઈને સરહદ પારના મુખ્ય સૂત્રધારો અને દસ્તાવેજો બનાવનારાઓ વચ્ચે ચોક્કસ ટકાવારી મુજબ વહેંચી દેવાતો હતો. ઘૂસણખોરો ભારતીય જમીન પર પગ મૂકે એટલે સ્થાનિક એજન્ટો તેમને નજીકના રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી નિભાવતા હતા, જ્યાથી તેમને દેશના અલગ-અલગ મોટા શહેરોમાં મજૂરી કે અન્ય કામો માટે મોકલી આપવામાં આવતા હતા. જો કે, દેશની આંતરિક સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પ્રશાસને હવે આ સમગ્ર નેટવર્કની કમર તોડી નાખી છે અને સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
