News of Tuesday, 20th October 2026
ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં મોટો ખુલાસો: શૂટર્સના રડાર પર અન્ય કોઈ મોટો બોલિવૂડ સ્ટાર હતો: ટાર્ગેટ બદલવો પડ્યો
જુહુ ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર કાર પર ફાયરિંગ મામલે નવી વિગતો: સરળ લક્ષ્ય હોવાથી શૂટર્સે ટાઈગર શ્રોફને બનાવ્યો હતો નિશાન

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહુ સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર થયેલા હુમલા અંગે એક ચોંકાવનારી અને નવી અપડેટ સામે આવી છે. પોલીસ તપાસ અને અહેવાલો અનુસાર, શૂટર્સનો શરૂઆતમાં ટાઈગર શ્રોફને નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. તેમના રડાર પર બોલિવૂડનો બીજો કોઈ મોટો સેલિબ્રિટી હતો.
મળતી માહિતી મુજબ, શૂટર્સ તે અન્ય મોટા સેલિબ્રિટી પર હુમલો કરવા માટે આવ્યા હતા, પરંતુ મુંબઈ પહોંચ્યા બાદ તેઓ તે સેલિબ્રિટીને નિશાન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કારણોસર તેઓએ પોતાની યોજના બદલવી પડી હતી અને નવું લક્ષ્ય શોધવાનું શરૂ કર્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પેજ અને ફેન પોસ્ટ્સ દ્વારા શૂટર્સને જાણ થઈ હતી કે ટાઈગર શ્રોફ દર રવિવારે જુહુ ફૂટબોલ ગ્રાઉન્ડની મુલાકાતે આવે છે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ મર્યાદિત રહે છે. શૂટર્સને એવું લાગ્યું કે ટાઈગર લોકોમાં મુક્તપણે ફરતા હોવાથી તેમને નિશાન બનાવવાનું સરળ રહેશે. આ જ મુખ્ય કારણોસર તેઓએ ટાઈગર શ્રોફને પોતાના નવા લક્ષ્ય તરીકે પસંદ કર્યા હતા.
ઘટનાના દિવસે ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળતી વખતે હુમલાખોરોએ ટાઈગર શ્રોફની કાર પર અચાનક ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમનો ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડ્રાઈવરને ગોળી વાગવા છતાં ટાઈગરે ભારે હિંમત અને સૂઝબૂઝ દાખવી હતી. તેમણે તુરંત ડ્રાઈવરની સીટ સંભાળી લીધી અને ઘાયલ ડ્રાઈવરને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા આગળની સઘન તપાસ જારી છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
