તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ કોંગ્રેસે ભાજપને પછાડયું: કેબિનેટ મંત્રી ઝાબર સિંહ ખરારાનો આખો પરિવાર ચૂંટણી હાર્યો
રાજ્યના ૩૭ જિલ્લાઓની પંચાયત સમિતિની બેઠકો પર કોંગ્રેસનો દબદબો

જયપુર, તા.૨૦: રાજસ્થાનમાં યોજાયેલી પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને પાછળ છોડીને જબરદસ્ત સરસાઈ મેળવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ૬૪૫ પંચાયત સમિતિ બેઠકોમાંથી કોંગ્રેસે ૩૧૩ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જ્યારે ભાજપ માત્ર ૨૧૪ બેઠકો પર સમેટાઈ ગયું છે. આ ચૂંટણી પરિણામોનો સૌથી ચોંકાવનારો વળાંક સીકર જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં રાજ્યના શહેરી વિકાસ અને ગળહ નિર્માણ કેબિનેટ મંત્રી ઝાબર સિંહ ખરારાના પરિવારના ત્રણેય સભ્યોને હારનો સામનો કરવો પડ્યો છે.
પરિણામોની વિગતો પર નજર કરીએ તો, અજીતગઢ પંચાયત સમિતિના વોર્ડ નંબર ૧૭માંથી ચૂંટણી લડી રહેલા કેબિનેટ મંત્રી ઝાબર સિંહ ખરારાના પત્ની શાંતિ દેવીનો માત્ર ૫૧ મતોના નજીવા અંતરથી પરાજય થયો છે. આટલું જ નહીં, શ્રીમાધોપુર પંચાયત સમિતિના વોર્ડ નંબર ૧૯માંથી મંત્રીના મોટા પુત્ર દુર્ગા સિંહ ખરારા અને વોર્ડ નંબર ૨૦માંથી નાના પુત્ર અજય સિંહ ખરારા પણ ચૂંટણી હારી જતાં મંત્રીના ગઢમાં ગાબડું પડ્યું છે. આ ઉપરાંત, રાજસ્થાન પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અરશદ અલીના પત્ની ઝરીના ખાન જિલ્લા પરિષદના વોર્ડ નંબર ૪૭માંથી કોંગ્રેસના નસીમ બાનો સામે હારી ગયા છે, જ્યારે સીકર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ઇન્દ્ર ચૌધરીને પણ વોર્ડ ૪૮માંથી હાર મળી છે.
જોકે, જિલ્લા પરિષદની ૭ બેઠકોના પરિણામોમાં કોંગ્રેસે ૪ અને ભાજપે ૩ બેઠકો પર કબજો જમાવ્યો છે, જેમાં વોર્ડ નંબર ૪૪ પરથી ભાજપના તારાચંદ ધાયલે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને પક્ષની લાજ બચાવી છે. ગ્રામીણ વિસ્તારોના આ પરિણામોએ રાજ્યની વર્તમાન ભાજપ સરકાર માટે ચિંતાની લકીરો ખેંચી દીધી છે, ખાસ કરીને દિગ્ગજ મંત્રીઓના પરિવારજનોની હારને કારણે સંગઠનમાં આંતરિક મંથન શરૂ થઈ ગયું છે. આગામી સમયમાં બાકી રહેલી બેઠકોના અંતિમ પરિણામો અને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તે નિヘતિ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
