News of Sunday, 12th July 2026
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં મોટું કૌભાંડ: આરોપીઓનો દાનપાત્રની ગણતરી પર હતો સીધો કબજો
એસઆઈટી (SIT) ની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: ગણતરીના સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં છીંડાનો લાભ લઈને આચરવામાં આવી લાખોની ઉચાપત, અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ

અયોધ્યા: શ્રી રામલલાના દરબારમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતી શ્રદ્ધાની રકમ અને કિંમતી વસ્તુઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રામ મંદિરમાં થતી દાનની ઉચાપતના મામલે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસમાં હવે એ સ્પષ્ટ થયું છે કે, દાનપાત્રની ગણતરીમાં સામેલ આરોપીઓ પાસે સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ નિયંત્રણ હતો. આ સમગ્ર પ્રકરણમાં મંદિર પ્રબંધન અને સુરક્ષા પ્રોટોકોલની મોટી બેદરકારી સામે આવતા હડકંપ મચી ગયો છે.
તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ, આરોપીઓ માત્ર નાના પાયે ચોરી કરતા નહોતા, પરંતુ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ કૌભાંડને અંજામ આપી રહ્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી કેટલાક મંદિરના કાઉન્ટિંગ સ્ટાફ અને આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ગણતરીના સ્થળે સીસીટીવી સર્વેલન્સના ‘બ્લાઈન્ડ સ્પોટ’ (જ્યાં કેમેરાની નજર ન પહોંચે) નો લાભ લઈને રોકડ રકમના બંડલો ગાયબ કરવાનું શરૂ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ જ્યારે દાનપાત્ર ખોલતા અને ગણતરી કરતા, ત્યારે તેમની ઉપર પૂરતું નિરીક્ષણ રાખવામાં આવતું ન હતું. આરોપીઓએ મંદિરની સુરક્ષાની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ને ઘોળીને પી ગયા હતા અને ગણતરીના ટેબલ પરથી સીધી રકમ સેરવી લેતા હતા. ક્યાંક ટોયલેટમાં તો ક્યાંક અન્ય ગુપ્ત જગ્યાએ રોકડ છુપાવીને તેને વ્યવસ્થિત રીતે બહાર લઈ જવામાં આવતી હતી. આ કેસમાં SIT દ્વારા આશરે 79 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવી છે, જે આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.
આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત ત્રણ સભ્યોની SIT અત્યંત ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, દાનપાત્ર ખોલવાથી લઈને ગણતરી સુધીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગણતરીની પ્રક્રિયામાં હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવશે જેથી ભવિષ્યમાં ભક્તોની આસ્થા સાથે જોડાયેલી આ પવિત્ર ધનરાશિમાં કોઈ પણ પ્રકારની સેંધમારી ન થઈ શકે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
