News of Saturday, 12th September 2026
BRICS સમિટ વચ્ચે વૈશ્વિક ક્ષિતિજે મોટી હલચલ: યુક્રેન યુદ્ધ વિરામની આશા અને પશ્ચિમ એશિયામાં નવો તણાવ
G20 સમિટમાં પુતિન-ઝેલેન્સકીની રૂબરૂ મુલાકાતના સંકેતથી રાહત: મધ્ય પૂર્વના સંકટથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલમાં ૮%નો ભડકો

નવી દિલ્હી: એક તરફ નવી દિલ્હી ખાતે વિશ્વના હેવીવેઇટ નેતાઓની હાજરીમાં BRICS સમિટ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટા ફેરફારો લાવતા બે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુરોપમાંથી રશિયા-યુક્રેન યુદ્ધના અંતની આશા જગાવતા સકારાત્મક સમાચાર મળ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ મચી ગયો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા તે જ સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જર્મન મીડિયા આઉટલેટ સાથેની વાતચીતમાં તેમણે સંકેત આપ્યો છે કે ડિસેમ્બર માસમાં અમેરિકાની યજમાનીમાં યોજાનારી G20 સમિટ દરમિયાન તેઓ પુતિન સાથે રૂબરૂ વાટાઘાટો કરવા તૈયાર છે. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું હતું કે હવે ખાલી વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને નક્કર પરિણામો લાવવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે હાલમાં જ સીધી ફોન વાતચીત થઈ હતી, જ્યારે યુએસ રાજદૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે મોસ્કો અને કિવની મુલાકાત લીધી હતી. જો ડિસેમ્બરમાં આ મુલાકાત થશે તો પાંચ વર્ષથી ચાલી રહેલા કડવા યુદ્ધનો અંત આવી શકે છે.
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી BRICS પ્લેટફોર્મ પરથી શાંતિના પ્રયાસો કરી રહ્યા છે તે જ સમયે પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી છે. દરિયાઈ ક્ષેત્રમાં વધેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં આગ લાગી છે અને છેલ્લા અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ૮% થી વધુનો તીવ્ર વધારો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૪ સપ્ટેમ્બરના રોજ ક્રૂડ ઓઇલના ભાવ $૯૫ પ્રતિ બેરલ હતા તે અચાનક વધીને $૧૦૮ પ્રતિ બેરલથી વધુ થઈ ગયા હતા, જે છેલ્લા ચાર મહિનાનું સર્વોચ્ચ સ્તર છે. આ ઉપરાંત યુએસ WTI ક્રૂડ ઓઇલ પણ $૯૧.૪૮ થી વધીને અઠવાડિયાના અંતે $૧૦૦.૦૫ પ્રતિ બેરલ પર બંધ રહ્યું હતું. ભારતીય ફ્યુચર્સ માર્કેટ (MCX) માં પણ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ ₹૮,૫૬૩ થી વધીને ₹૮,૯૦૫ પ્રતિ બેરલ પહોંચ્યા બાદ પાછળથી ₹૮,૩૫૦ ની આસપાસ સ્થિર થયો હતો.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
