News of Sunday, 20th September 2026
હિમાલયમાં મોટો ખતરો: ઉત્તરાખંડના 23 ગ્લેશિયર્સ પર સંકટના વાદળો : નવા રિસર્ચમાં ખુલાસો
વાડિયા ઇન્સ્ટિટ્યૂટના નવા સંશોધનમાં ગંગોત્રી, પિંડારી અને ખતલિંગ સહિતના મુખ્ય ગ્લેશિયર્સ ઝડપથી પીગળવાના ચોંકાવનારા ખુલાસા બાદ ગંગા-યમુનાના ઉદ્ગમ સ્થાન પર જળસંકટ અને ગ્લેશિયર સરોવર ફાટવાના (GLOF) ખતરાએ સમગ્ર ઉત્તર ભારતની ઊંઘ ઉડાડી દીધી

હિમાલયના ખોળામાં વસેલા ઉત્તરાખંડ રાજ્યમાં કુદરતી સંતુલન ઝડપથી બગડી રહ્યું હોવાનો ભયાનક ખુલાસો નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં થયો છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના સંશોધકો દ્વારા ઉત્તરાખંડના ૨૩ પ્રમુખ ગ્લેશિયર્સના ઐતિહાસિક ડેટાના વિશ્લેષણ બાદ બહાર આવેલ રિપોર્ટ 'ડિસ્કવર જીઓસાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયો છે. નેપાળમાં તાજેતરમાં જ ગ્લેશિયર ફાટવાથી સર્જાયેલી જીવલેણ આફત બાદ આ અહેવાલે સમગ્ર દક્ષિણ એશિયા અને ખાસ કરીને ઉત્તર ભારત માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. વૈજ્ઞાનિકોના મતે ગ્લોબલ વોર્મિંગ, ઉનાળાની લંબાઈમાં વધારો અને શિયાળામાં બરફવર્ષાના બદલે ઊંચાઈ વાળા વિસ્તારોમાં વરસાદ થવાની પ્રક્રિયાને કારણે હિમનદીઓ અભૂતપૂર્વ ઝડપે ઓગળી રહી છે.
સંશોધનમાં સામે આવેલા આંકડા અત્યંત ચિંતાજનક છે, જ્યાં પિંડારી ગ્લેશિયર જે ૧૮૪૫ થી ૧૯૬૬ દરમિયાન વાર્ષિક ૨૩.૪ મીટરના દરે ઓગળતો હતો, તે ૨૦૦૦ થી ૨૦૧૮ વચ્ચે બમણી ઝડપે એટલે કે વાર્ષિક ૪૫.૮૫ મીટર પછડાટ અનુભવી રહ્યો છે. આ ઉપરાંત ખાટલિંગ ગ્લેશિયર દર વર્ષે ૮૮ મીટર જેટલો પાછળ ધકેલાઈ રહ્યો છે, જ્યારે મિલામ અને ગંગોત્રી ગ્લેશિયર્સ પણ અનુક્રમે ૩૭.૮ મીટર અને ૨૨ મીટર પ્રતિ વર્ષના ભયજનક દરે પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્લેશિયર્સ પર કાટમાળનું સ્તર ઓછું છે અને સ્વચ્છ બરફ છે, તે ધૂળ-કાટમાળથી ઢંકાયેલા ગ્લેશિયર્સની સરખામણીએ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી વધુ ઝડપથી પીગળી રહ્યા છે. સતોપંથ, રામાણી, ઉત્તર નંદા દેવી, દોકિયાની અને બંદરપંચ જેવા પવિત્ર અને મહત્વના ગ્લેશિયર્સની સ્થિતિ પણ દિન-પ્રતિદિન વધુ નાજુક બની રહી છે.
આ ગ્લેશિયર્સ માત્ર બરફના પહાડો નથી પરંતુ ગંગા, યમુના, અલકનંદા, ભાગીરથી અને સિંધુ જેવી દેશની મહાન નદીઓનો મુખ્ય જીવનસ્રોત છે. શરૂઆતમાં બરફ ઝડપથી ઓગળવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધશે, પરંતુ લાંબા ગાળે આ કુદરતી જળાશયો ખાલી થઈ જવાથી સમગ્ર ઉત્તર ભારતમાં પીવાના પાણી, ખેતી અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે હાહાકાર મચી શકે છે. આ સિવાય હિમનદી તળાવો ફાટવાની ઘટનાઓ (GLOF), વાદળફાટવાની કુદરતી હોનારતો અને અચાનક આવતા વિનાશક પૂરનું જોખમ અનેકગણું વધી ગયું છે. જો તાત્કાલિક ધોરણે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પર્યાવરણીય પગલાં લેવામાં નહીં આવે તો હિમાલયના નિવસનતંત્રની સાથે કરોડ લોકોના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
