News of Thursday, 16th July 2026
દિલ્હી શરાબ કૌભાંડમાં મોટો વળાંક: હાઈકોર્ટે કેજરીવાલ, સિસોદિયા અને દુર્ગેશ પાઠકને આપી ‘છેલ્લી તક’; જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા કેસમાંથી ખસ્યા!
‘આશા છે કે હવે વિલંબ નહીં થાય’ કહી જસ્ટિસ મનોજ જૈનની બેન્ચે આપ્યો ૨ અઠવાડિયાનો આખરી સમય; CBIની અપીલ પર ૧૭-૧૮ ઓગસ્ટે હાથ ધરાશે અંતિમ દલીલો

નવી દિલ્હી : દિલ્હીના બહુચર્ચિત કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના અગ્રણી નેતાઓની મુશ્કેલીઓ ફરી વધતી દેખાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને નેતા દુર્ગેશ પાઠકને પોતાનો પક્ષ રજૂ કરવા માટે છેલ્લી અને આખરી તક આપી છે. સીબીઆઈ (CBI) દ્વારા નીચલી અદાલતના ચુકાદાને પડકારતી અરજી પર લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોર્ટે હવે વલણ કડક કર્યું છે.
ન્યાયાધીશ મનોજ જૈનની સિંગલ બેન્ચે કેસની સુનાવણી દરમિયાન ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું કે, રજિસ્ટ્રીના અહેવાલો મુજબ વારંવાર મોકો આપવા છતાં આ ત્રણેય નેતાઓ દ્વારા હજુ સુધી પોતાનો સત્તાવાર જવાબ દાખલ કરવામાં આવ્યો નથી.
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કેમ છોડ્યો કેસ?
આ પહેલા આ હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં ચાલી રહી હતી. તે સમયે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ જસ્ટિસ શર્માની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતી ‘રિક્યુસલ’ (Recusal - કેસમાંથી ખસી જવા માટેની) અરજી કરી હતી, જેને જસ્ટિસ શર્માએ ફગાવી દીધી હતી. એટલું જ નહીં, આપ નેતાઓ દ્વારા કોર્ટની કાર્યવાહીના બહિષ્કાર બાદ જસ્ટિસ શર્માએ કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સામે કોર્ટના તિરસ્કાર (Contempt of Court) ની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાનૂની ઘર્ષણ બાદ આખરે તેમણે નૈતિકતાના ધોરણે પોતાને આ કેસથી અલગ કરી લીધા હતા અને કેસ નવી બેન્ચને સોંપવામાં આવ્યો હતો.
૨ અઠવાડિયાની આખરી મહેતલ, હવે વધુ વિલંબ નહીં સાંખી લેવાય
નવી બેન્ચના વડા જસ્ટિસ મનોજ જૈને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "ન્યાયના હિતમાં પ્રતિવાદીઓને જવાબ રજૂ કરવા માટે વધુ બે અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. પરંતુ આ છેલ્લી તક છે. આશા છે કે નિર્ધારિત સમયમર્યાદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે અને કેસમાં હવે કોઈ નવો વિલંબ ઊભો કરવામાં નહીં આવે."
કોર્ટે આ કેસમાં સીબીઆઈ (CBI) તરફથી રજૂ થતા સોલિસિટર જનરલ (SGI) તુષાર મહેતા અને એએસજી એસ.વી. રાજુની દલીલો સાંભળવા માટે ૧૭ અને ૧૮ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. સીબીઆઈની દલીલો પૂર્ણ થયા બાદ બચાવ પક્ષ (કેજરીવાલ અને અન્ય) માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી અગાઉના તમામ વચગાળાના આદેશો યથાવત રહેશે.
શું હતો નીચલી અદાલતનો ચુકાદો?
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૨૭ ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે (નીચલી અદાલતે) કથિત દારૂ નીતિ કૌભાંડના સીબીઆઈ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈની કાર્યવાહી સામે આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. નીચલી કોર્ટના આ આદેશ સામે સીબીઆઈએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, જેના પર હવે કાનૂની જંગ ખરાખરીના તબક્કે પહોંચ્યો છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
