તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Monday, 28th September 2026
ગેરકાયદે રેતી ખનન કેસમાં મોટો વળાંક: મનોજ જરાંગેના સહયોગીનો ₹૪.૯૦ કરોડનો દંડ માફ કરવાનો વિવાદાસ્પદ આદેશ રદ!
અંબાડ તાલુકામાં ગોદાવરી નદીમાંથી ૨,૦૦૦ બ્રાસ રેતીના ગેરકાયદે ઉત્ખનનનો મામલો: વહીવટી સમીક્ષા બાદ તહસીલદાર અને મહેસૂલી અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલો.

જાલના : મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ગોદાવરી નદીના પટમાંથી થયેલા કરોડો રૂપિયાના ગેરકાયદે રેતી ખનન કેસમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય રદ કરવામાં આવ્યો છે. મરાઠા અનામત આંદોલનના અગ્રણી નેતા મનોજ જરાંગેના નજીકના સહયોગી સંજય નાનાસાહેબ કટારેને રૂ. ૪.૯૦ કરોડના દંડમાંથી મુક્તિ આપતો તત્કાલીન તહસીલદારનો આદેશ વહીવટી સમીક્ષા બાદ આખરે રદ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જાલનાના મહેસૂલી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આ સમગ્ર વિવાદ જાલના જિલ્લાના અંબાડ તાલુકામાં આવેલા શાષ્ટપિંપાલગાંવ અને ડોમલગાંવ ખાતે ગોદાવરી નદીના પટમાંથી આશરે ૨,૦૦૦ બ્રાસ રેતીના ગેરકાયદેસર ઉત્ખનન અને પરિવહન સાથે જોડાયેલો છે. એપ્રિલ ૨૦૨૩માં તત્કાલીન સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા આ કેસમાં ૧૮ શખસો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મનોજ જરાંગેની કોર કમિટીના સભ્ય સંજય કટારે પર પણ રૂ. ૪.૯૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ કટારેએ વાંધો ઉઠાવતા તત્કાલીન તહસીલદારે તેમનું નામ દંડની યાદીમાંથી હટાવી નવો આદેશ જારી કરી દીધો હતો.
તહસીલદારના આ શંકાસ્પદ નિર્ણય સામે એક સ્થાનિક રહેવાસીએ રાજ્યના મહેસૂલ મંત્રી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા વહીવટીતંત્રના આદેશથી હાથ ધરાયેલી તપાસમાં તત્કાલીન તહસીલદાર અને સંબંધિત ગૌણ ખનીજ શાખા (Minor Minerals Branch) ના અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. આખરે વહીવટી સમીક્ષામાં સુધારેલો આદેશ રદ કરવામાં આવ્યો છે અને હવે તમામ દોષિતો સામે કાયદેસરનો દંડ વસૂલવાની પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવશે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
